પાકિસ્તાનની (Pakistan) સર્વોચ્ચ અદાલતે સોમવારે 9 મેના હિંસક વિરોધ બાદ ધરપકડ કરાયેલા નાગરિકોની લશ્કરી અદાલતોમાં ચાલતી સુનાવણીને અમાન્ય જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે અધિકારીઓને સામાન્ય કોર્ટમાં કેસ ચલાવવાનો આદેશ પણ આપ્યો હતો. ન્યાયમૂર્તિ ઇજાઝુલ અહસાનની આગેવાની હેઠળની 5 સભ્યોની બેન્ચે આદેશ આપ્યો હતો કે, આર્મી એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા 102 આરોપીઓ પર ફોજદારી કોર્ટમાં કેસ ચલાવવામાં આવે
સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી પૂર્ણ થયાના થોડા કલાકો બાદ જ પોતાનો ચુકાદો સંભળાવતા કોર્ટે કહ્યું હતું કે, જો કોઈ નાગરિક સામેનો કેસ લશ્કરી અદાલતમાં ચલાવવામાં આવે તો તેને અમાન્ય જાહેર કરવામાં આવશે. જસ્ટિસ અહેસાન, જસ્ટિસ મુનીબ અખ્તર, જસ્ટિસ યાહ્યા આફ્રિદી, જસ્ટિસ મઝહિર નકવી અને જસ્ટિસ આયેશા મલિકની બેન્ચે 100થી વધુ નાગરિકોના સેન્ય અદાલતમાં ટ્રાયલને પડકારતી એક ડઝન અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની 9 મેના રોજ ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ દેશભરમાં હિંસાના ઘણા બનાવો બન્યા હતા. આ કેસના સંબંધમાં 100થી વધુ નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ અરજીઓ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન, વકીલ એતઝાઝ અહેસાન, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જવાદ એસ ખ્વાજા અને નાગરિક સમાજના સભ્યો દ્વારા દાખલ કરવામાં આવી હતી. બેન્ચે સરકારની જાહેરાત સામેની અરજીઓ પર સુનાવણી કરી હતી કે 9 મેના સૈન્ય સ્થળો પરના હુમલામાં સામેલ લોકો સામે લશ્કરી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
પાકિસ્તાની સેનાના જણાવ્યા મૂજબ 102 આરોપીઓને ટ્રાયલ માટે સૈન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટર, લાહોરમાં કોર્પ્સ કમાન્ડર હાઉસ, પાકિસ્તાન એરફોર્સ બેઝ મિયાંવાલી અને ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સની ઓફિસ સહિત મુખ્ય સૈન્ય સ્થળો પરના હુમલામાં સામેલ થવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.