
ઈસ્લામાબાદ,પાકિસ્તાનના લઘુમતી હિન્દુ સમુદાયના લોકોએ બળજબરીપૂર્વક ધર્માંતરણ, અપહરણ અને સગીરાઓનાં લગ્નની વધતી જતી ઘટનાઓના વિરોધમાં જોરદાર દેખાવો કર્યા હતા. હિન્દુ સમુદાયના લોકોએ કરાચી સ્થિત સિંધ વિધાનસભા ભવનનો ઘેરાવો કર્યો હતો. આ દેખાવો લઘુમતી સમુદાયના અધિકાર માટે કામ કરનાર સંગઠન પાકિસ્તાન દારાવર ઇત્તેહાદ (પીડીઆઇ)ના બેનર હેઠળ યોજવામાં આવ્યા હતા. પીડીઆઇ પ્રમુખ ફકીર શિવાએ કહ્યું હતું કે દેખાવોનો હેતુ બાળલગ્ન અધિનિયમને યોગ્ય અને કડક રીતે લાગુ કરવા માટે સરકાર પર દબાણ લાવવાનો છે.
બળજબરીપૂર્વક ધર્માંતરણના વિરોધમાં સંસદમાં એક બિલ પાસ કરવામાં આવે તેમ પણ સમુદાયના લોકો ઇચ્છે છે. હજુ સુધી તમામ પ્રયાસ કરાયા હોવા છતાં આ બાબત શક્ય બની નથી. આ ગાળા દરમિયાન સત્તાપક્ષ તરફથી માંગણીને લઇને કોઇ ખાતરી આપવામાં આવી નથી. કોઇ નેતા મળવા પણ આવ્યા નથી. કોઇ અન્ય રાજકીય પક્ષના નેતા પણ મળવા માટે પહોંચ્યા નથી. માંગણી સ્વીકારાશે નહીં ત્યાં સુધી દેખાવો જારી રાખવામાં આવશે. શિવાએ કહ્યું છે કે દેખાવો દરમિયાન પોલીસ અને વહીવટીતંત્રના લોકોએ પરિવહનનાં કારણો આપીને દેખાવકારોને વિરોધનો અંત લાવવા માટે કહ્યું હતું. દેખાવોમાં પહોંચેલા પીડિત રામ ભીલે કહ્યું હતું કે તેમની ૧૬ વર્ષની દીકરીનું થોડાંક વર્ષ પહેલાં અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ બળજબરીપૂર્વક લગ્ન કરાવી દેવાયાં હતાં. લોકો ઇસ્લામના નામનો દુરુપયોગ કરે તેમ હિન્દુ લોકો ઇચ્છતા નથી. હિન્દુ દીકરીઓની સાથે અન્યાય ન થાય તેવી સમુદાયની રજૂઆત છે.