
બેંગ્લુરુ,
કન્નડ અભિનેતા ચેતન કુમાર તેના વિવાદાસ્પદ નિવેદનો માટે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. ચેતન કુમાર ટ્વિટર પર ખૂબ જ સક્રિય રહે છે અને સમકાલીન મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જોવા મળે છે. હાલમાં જ ચેતને હિંદુ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. ચેતને પોતાના ટ્વીટમાં હિંદુ ધર્મના અસ્તિત્વ વિશે કહ્યું હતું કે આ જૂઠ છે.
અભિનેતાની આ ટ્વીટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઘણો હંગામો થયો હતો. હવે બેંગલુરુ પોલીસે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ચેતન કુમારની ધરપકડ કરી છે.
૨૦ માર્ચે એક ટ્વીટમાં ચેતન કુમારે હિન્દુ ધર્મ પર સવાલ ઉઠાવ્યા હતા. પોતાના ટ્વીટમાં અભિનેતાએ હિંદુ ધાર્મિક ગુરુઓને અનેક પાસાઓ અંગે સવાલ કર્યા હતા. તેમણે લખ્યું, હિંદુ ધર્મ જૂઠાણા પર બાંધવામાં આવ્યો છે. સાવરકર – ભારતીય રાષ્ટ્રની શરૂઆત જ્યારે રામ રાવણને હરાવીને અયોધ્યા પરત ફર્યા – અસત્ય, ૧૯૯૨: બાબરી મસ્જિદ રામની જન્મભૂમિ છે – તે પણ જૂઠ. ૨૦૨૩: ઉરીગોડા-નાંજેગૌડા ટીપુના હત્યારાઓ – આ પણ છે. અસત્ય. હિન્દુત્વને સત્ય દ્વારા જ હરાવી શકાય છે, કારણ કે સત્ય સમાનતા છે.
આ ટ્વીટમાં ચેતન કુમારે લખ્યું કે- હિન્દુત્વ સંપૂર્ણ જૂઠાણા પર બનેલું છે. સાવરકર – ભારતીય રાષ્ટ્રની શરૂઆત ત્યારે થઇ જ્યારે રામ રાવણને હરાવીને અયોધ્યા પાછા ફર્યા – અસત્ય, ૧૯૯૨ માં બાબરી મસ્જિદ રામજન્મભૂમિ છે – એક જૂઠ, ૨૦૨૩ ઉરીગોડા-નાંજેગૌડા ટીપુના હત્યારા છે – અસત્ય, હિન્દુત્વને સત્યથી હરાવી શકાય છે હા- સત્ય સમાનતા છે.
હિન્દુ ધર્મ વિરુદ્ધના આ વિવાદાસ્પદ શબ્દોના કારણે હવે કન્નડ ફિલ્મ અભિનેતા ચેતન કુમારની બેંગલુરુની શેષાદ્રિપુરમ પોલીસે ધરપકડ કરી છે. ચેતન કુમારે આઈપીસી (ઇન્ડિયન પીનલ કોડ)ની કલમ ૧૫૩-એ તથા ૨૯૫-એનો ભંગ કર્યો છે કે નહીં, તે અંગે તપાસ હાથ ધરી છે. ચેતન કુમારે ધર્મ કે વંશના આધારે અલગ-અલગ સમૂહોની વચ્ચે વેરભાવ પેદા કરવા કે ધામક લાગણીઓને ઉશ્કેરવા માટે ઇરાદાપૂર્વક કે દુર્ભાવનાપૂર્વક કશું કર્યું કે નહીં, તેની તપાસ કરશે.