નવીદિલ્હી,
શહેરો અને વિસ્તારોના પ્રાચીન નામોની ઓળખ માટે રિનેમિંગ કમીશન રચવાની માગ સુપ્રીમકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે દેશ ભૂતકાળનો કેદી બનીને ન રહી શકે. ધર્મનિરપેક્ષ ભારત બધાનું છે. દેશને આગળ લઈ જનારી વાતો વિશે વિચારવાની જરૂર છે. આ મામલે સુનાવણી હાથ ધરતાં જસ્ટિસ બી.વી.નાગરત્નાએ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે હિન્દુત્વ એક ધર્મ નથી, જીવનશૈલી છે, તેમાં કટ્ટરતાને સ્થાન જ નથી. એડવોકેટ અશ્ર્વિની ઉપાધ્યાયની અરજીમાં જણાવાયું હતું કે ક્રૂર વિદેશી આક્રમણકારીઓએ અનેક જગ્યાઓના નામ બદલી નાખ્યા. તેને પોતાના નામ આપ્યા. આઝાદીના આટલા વર્ષો બાદ જ પણ સરકાર એ જગ્યાઓના પ્રાચીન નામ ફરી રાખવા અંગે ગંભીર નથી. ઉપાયાયે એમ પણ કહ્યું કે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા હજારો સ્થળોના નામ બદલી નખાયા.
અરજદારે તેની અરજીમાં શક્તિપીઠ માટે પ્રસિદ્ધ કિરિટેશ્ર્વરીનું નામ બદલી આક્રમણકારી મુશદ ખાનના નામે મુશદાબાદ રાખવા, પ્રાચીન કર્ણાવતીનું નામ અમદાવાદ, હરિપુરનું હાજીપુર, રામગઢને અલીગઢ કરવા જેવા અનેક ઉદાહરણો આપ્યા હતા. અરજદારે શહેરો ઉપરાંત વિસ્તારોના નામ બદલવાનું પણ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે અકબર રોડ, લોધી રોડ, હુમાયુ રોડ, ચેમ્સફોર્ડ રોડ, હેલી રોડ જેવા નામો પણ બદલવાની જરૂર છે.
જસ્ટિસ કે.એમ.જોસેફ અને બી.વી.નાગરત્નાની બેન્ચે અરજીમાં લખેલી વાતોને ધ્યાનથી વાંચ્યા બાદ જસ્ટિસ જોસેફે કહ્યું કે શું તમે માર્ગોના નામ બદલવાને તમારે મૌલિક અધિકાર ગણાવી રહ્યા છો? તમે ઈચ્છો છો કે ગૃહ મંત્રાલયને અમે આયોગની રચના કરવા કહીએ? તમે અકબર રોડનું નામ બદલવા માંગ કરી. ઈતિહાસ કહે છે કે અકબરે સૌને સાથે લાવવા પ્રયાસ કર્યો હતો. તે દીન એ ઈલાહી જેવો અલગ ધર્મ લાવ્યા.
બેન્ચમાં સામેલ જસ્ટિસ નાગરત્નાએ પણ કહ્યું કે આપણા પર હુમલા થયા એ સાચી વાત છે. તો શું તમે ફરી સમયને પાછળ લઈ જવા માગો છો? તેનાથી શું મળશે? શું દેશમાં સમસ્યાઓ ઓછી છે? તેને છોડી અમે ગૃહમંત્રાલયને કહીએ કે બધુ કામ સાઈડ પર મૂકો અને શહેરોના નામ શોધવાનું શરૂ કરો? જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે હિન્દુત્વ એક ધર્મ નથી, જીવનશૈલી છે, તેમાં કટ્ટરતાને સ્થાન જ નથી. હિન્દુત્વએ મહેમાનો અને હુમલાખોર બધાને સ્વીકાર્યા. તે દેશનો ભાગ બની ગયા. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અંગ્રેજોની હતી. હવે ફરી સમાજને વિભાજિત કરવાના પ્રયાસો ન થવા જોઈએ. બેન્ચે એમ કહેતા અરજી ફગાવી દીધી.