શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકવાનું નામ નથી લઈ રહ્યું. સુરક્ષા દળોને ચકમો આપવા માટે આતંકવાદીઓએ આ પદ્ધતિ શોધી કાઢી છે. ભૂતકાળમાં ખીણમાં પણ મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. લેટેસ્ટ મામલો ગઈ રાતનો છે. રાજૌરી જિલ્લાના એક ગામમાં રવિવારે સાંજે આતંકવાદીઓએ એક ખાસ સમુદાયને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ ત્રણ મકાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા.
જમ્મુ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વર્ષોમાં આ પ્રકારનો પહેલો હુમલો છે, જે ઘાટીની તુલનામાં ખૂબ જ શાંતિપૂર્ણ રહ્યો છે અને તે પણ નવા વર્ષના પ્રથમ દિવસે. આ ઘટના બાદ ડાંગરી ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ ગામના ચોકમાં ચાર મૃતદેહો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ પહેલા ઓળખ કાર્ડ જોયા અને પછી ફાયરિંગ કર્યું. ડાંગરીના સરપંચ ધીરજ શર્માએ ઘટના વિશે જણાવ્યું કે, આતંકવાદીઓએ માર્યા પહેલા ઓળખ પત્ર જોયું અને હિંદુની ઓળખ જોઈને તેમને ગોળી મારી દીધી હતી.
આ આતંકી ઘટનામાં એક જ પરિવારના બે લોકોના મોત થયા છે. બંને પિતા અને પુત્ર હતા. ધીરજના કહેવા પ્રમાણે, મહિલાઓ સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તેમના વાળ ખેંચ્યા અને તેમને પણ માર્યા. હત્યા કર્યા બાદ રૂમમાં બંધ કરીને તેમની સામે ગોળી મારી દીધી હતી. જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે કહ્યું કે પોલીસ, સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે સંયુક્ત રીતે વિગતવાર કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેથી ગોળીબારમાં સામેલ બંને આતંકવાદીઓને પકડી શકાય.
સિંહે જણાવ્યું હતું કે એકબીજાથી લગભગ ૫૦ મીટરના અંતરે આવેલા ત્રણ મકાનો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેમાં બે નાગરિકોના મોત થયા હતા, જ્યારે ચાર ઘાયલ થયા હતા. જોકે, બાદમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે કારણ કે ઈજાના કારણે વધુ બે લોકોના મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી અધિકારીઓએ જણાવ્યું કે સાંજે લગભગ ૭ વાગે બે શંકાસ્પદ આતંકવાદીઓ ગામની નજીક આવ્યા અને ત્રણેય ઘરો પર અંધાધૂંધ ગોળીબાર કરીને ભાગી ગયા.
એક અધિકારીએ જણાવ્યું કે ગોળીબાર ૧૦ મિનિટમાં બંધ થઈ ગયો. પહેલા તેઓએ અપર ડાંગરીમાં એક ઘર પર ગોળીબાર કર્યો અને પછી ૨૫ મીટર દૂર ગયા પછી ત્યાં અન્ય કેટલાક લોકો પર ગોળીબાર કર્યો. ગામમાંથી ભાગતા પહેલા, તેઓએ બીજા ઘરથી લગભગ ૨૫ મીટર દૂર સ્થિત અન્ય મકાન પર ગોળીબાર કર્યો. ગોળીબારમાં કુલ ૧૦ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણને રાજૌરીની સરકારી મેડિકલ કોલેજના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, એક ઘાયલનું હોસ્પિટલમાં લઈ જતા સમયે રસ્તામાં જ મોત થઈ ગયુ હતું.