વિપક્ષ નેતા અને સાંસદ રાહુલ ગાંધીના હિંદુંઓ હિંસા કરે છેના નિવેદન પર સંસદમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતશાહે તેમની ટિકા કરી. આ નિવેદનના પડઘા રાતે સંસદની બહાર પણ જોવા મળ્યા. રાહુલ ગાંધીએ નીટ મુદ્દે સરકાર પાસે જવાબ માંગવા ઉપરાંત લોક્સભામાં તેમના સંબોધનમાં ભાજપ, આરએસએસ, પીએમ મોદી પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર બતાવવા સાથે હિંદુઓને લઈને ટિપ્પણી કરવા મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ હંગામો મચાવ્યો.
રાહુલ ગાંધીના “જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ ૨૪ કલાક હિંસા કરે છે” આ નિવેદન પર અમદાવાદમાં મોડી રાત્રે બજરંગદળ અને વિશ્ર્વ હિન્દુ પરષિદના કાર્યકરોએ રાજીવ ગાંધી ભવન પર હંગામો મચાવ્યો. કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં ગેટ કૂદી રાહુલગાંધીના પોસ્ટર અને બેનર હટાવ્યા. વ્હેલીસવારે અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ૨૦થી૨૫ શખ્સોના ટોળાએ ત્રાટકીને પથ્થરમારો કરવા સાથે તોડફોડ કરતા સનસનાટી મચી ગઈ છે. કાર્યકરોએ રાહુલ ગાંધીના પોસ્ટર પર સ્પ્રેથી કાળી શાહી પણ લગાવી હતી.બજરંગદળ તથા વિશ્ર્વહિન્દુ પરિષદના કાર્યકરો કાર્યાલયના ગેટ પરથી કુદીને અંદર ઘુસી ગયા હતા અને પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. કાર્યાલયને તાળાબંધી કરી હતી ઉપરાંત વહેલી સવારે ફરી વી.એસ.હોસ્પીટલ ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય પર ધસી જઈને રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળો સ્પ્રે કરી દીધો હતો.આ મામલાની પોલીસને જાણ થતાં તાત્કાલિક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
આ ઘટનાને પગલે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં સનસનાટી મચી હતી. કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાને કાયરતાપૂર્ણ ગણાવી હતી. પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે પોતે મંદિરમાં દર્શન-પૂજા કરીને બહાર આવતા આ ઘટનાની ખબર પડી છે. નકલી હિન્દુઓને ચેલેન્જ આપુ છું કે રાતના અંધારામાં કાયરતાપૂર્ણ હુમલા કરવાના બદલે દિવસે આવી જાવ, અમારી પાસે પણ સત્ય અને અહિંસાના હથિયારો છે.અમે આ મામલે કાયદેસર કાર્યવાહી કરીશું. અમે ડરતા નથી કેમકે અમે સત્યની સાથે છીએ. રાહુલ ગાંધીએ આપેલ નિવેદન સત્ય છે કે જે લોકો નકલી હિંદુત્વની વાતો કરે છે અને તેઓ ડરે છે અને હિંસા આચરતા હોય છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોશીએ કહ્યું કે ભાજપનુ આ કાયરતાપૂર્વકનું કૃત્ય છે. અંધારામાં આવીને કોંગ્રેસ કાર્યાલય પર હુમલો-તોડફોડ કરવામાં આવી છે. રાહુલ ગાંધીનું વિધાન સાફ છે કે સમાજમાં હિંસાને કોઈ સ્થાન નથી. દરેક ધર્મનો આ જ સંદેશ છે. રાહુલ ગાંધીના ભાષણથી છંછેડાયેલા ભાજપે આ હુમલો કર્યો છે. વધુ હુમલા કરશે તેવો ભય છે. ભાજપનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે. કોંગ્રેસ અહિંસા-પ્રેમમાં માને છે અને કોઈ ડર રાખવાની નથી.
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલાથી સનસનાટી વચ્ચે બજરંગદળનાં પ્રમુખ લલીત મહેતાએ જણાવ્યું હતું કે ધર્મ માટે કરેલી હિંસા અહીંસા બરાબર જ હોવાનું હિન્દુ ધર્મમાં કહેવાયું છે. કોંગ્રેસ અહિંસાની વાતો કરે છે પરંતુ શીખ રમખાણો વખતે આવા વિધાનો કેમ કર્યા ન હતા.રમખાણો કોંગ્રેસે જ કરાવ્યા હતા. કાશ્મીરી પંડીતો સાથે અન્યાય વખતે કોંગ્રેસ કેમ ચૂપ હતી?