
હરિયાણાના ગુરુગ્રામમાં મોનુ માનેસરની તરફેણમાં હિન્દુ સંગઠનોએ મહાપંચાયતનું આયોજન કર્યું હતું. આ મહાપંચાયત ગુરુગ્રામના બાબા ભીષ્મ મંદિરમાં થઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે મહાપંચાયત બોલાવી હતી. હિન્દુ સંગઠનોની મહાપંચાયતમાં કોંગ્રેસના ધારાસભ્ય મમન ખાનના જામીનનો વિરોધ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મમન ખાન ઉપર નૂહમાં હિંસા ફેલાવવાનો આરોપ છે. મોનુ માનેસરની વાત કરીએ તો તે નાસિર-જુનૈદ હત્યા કેસના આરોપી છે સાથોસાથ નૂહ હિંસાનો પણ તે આરોપી છે.
આજે બુધવારે યોજાયેલી હિન્દુ સંગઠનોની મહાપંચાયતમાં કુલ 11 સભ્યોની એક સમિતિની રચના કરાઈ હતી. હવે આગામી 7 ઓક્ટોબરે, મોનુ માનેસરના સમર્થનમાં હિન્દુ સંગઠનો મહાપંચાયતની બીજી બેઠક બોલાવશે. જેમાં ભવિષ્યની રણનીતિ ઘડવાનો નિર્ણય લેવાયો છે. સુરત નંબરદારે હિન્દુ સંગઠનોની મહાપંચાયતની અધ્યક્ષતા કરી હતી. હિન્દુ સંગઠનોની મહાપંચાયતમાં સેંકડો ગ્રામજનોએ ભાગ લીધો હતો.
મહાપંચાયતમાં હાજર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યોએ જણાવ્યું હતું કે, મોનુ માનેસરને ગેરકાયદે રીતે હત્યા કેસમાં ફસાવવામાં આવ્યો છે, મોનુ માનેસર કોઈ પણ સંજોગોમાં હત્યા કેસમાં સંકળાયેલો નથી. રાજસ્થાન પોલીસ ખોટી રીતે મોનુ માનેસરને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. જુનૈદ અને નાસિરની હત્યા થઈ તે સમયે મોનુ માનેસર ઘટના સમયે હાજર ના હોવાના પુરાવા રાજસ્થાન પોલીસને આપવામાં આવ્યા છે. આમ છતા તેને હત્યા કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે.
હવે આગામી મહાપંચાયત 7 ઓક્ટોબરે યોજાશે અને આ મહાપંચાયતની બેઠકનો નિર્ણય 11 સભ્યોની બનેલી સમિતિ લેશે. રાજસ્થાનમાં પણ હિન્દુ સંગઠનોની મહાપંચાયત બેઠક યોજવાની વાત થઈ છે. જેના પર 7 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં યોગ્ય નિર્ણય લેવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નૂહમાં ફાટી નિકળેલી હિંસાના કેસમાં હરિયાણા પોલીસે મોનુ માનેસરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયો હતો. આ બનાવની જાણ થતા રાજસ્થાન પોલીસે, મોનુ માનેસરના રિમાન્ડ કોર્ટમાં માંગ્યા હતા. કોર્ટના આદેશ બાદ રાજસ્થાન પોલીસ મોનુ માનેસરને પોતાની સાથે ટ્રાન્ઝિટ રિમાન્ડ પર રાજસ્થાન લઈ ગઈ હતી. હાલમાં મોનુ માનેસર રાજસ્થાનની જેલમાં કેદ છે.