
- ભાજપના નેતા અશ્ર્વિની ઉપાયાયે ફટકાર બાદ પીઆઇએલ પરત ખેંચી લીધી.
સુપ્રીમ કોર્ટે હિન્દૂ, શીખ, જૈન અને બૌદ્ધ ધાર્મિક સનસ્થાઓની સંપત્તિની જાળવણી અને સંચાલન અંગે કરવામાં એવલી PIL પર અરજીકર્તાને ફટકાર લગાવી છે. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે અરજીકર્તાને કહ્યું કે, તમારી PILની પ્રાર્થના તો જોઈ લો. પ્રાર્થના એવી હોવી જોઈએ, જેની પર અમે વિચાર કરી શકીએ. તમારી પ્રાર્થના લોકપ્રિયતા મેળવવાની અને મીડિયામાં છવાઈ જવાની છે. તમે પહેલાં તમારી અરજી પછી ખેંચી લો, નહીંતર અમે તેને ફગાવી દઈશું.
જણાવી દઈએ કે આ PIL ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે કરી હતી. જોકે, SCની ફટકાર બાદ તેમણે PIL પરત ખેંચી લીધી હતી. અશ્વિની ઉપાધ્યાય બીજી અરજી દાખલ કરવા ઇચ્છતા હતા, પરંતુ CJI ચંદ્રચૂડે તેમને અરજી પરત ખેંચી લેવા કહ્યું હતું. જેને લઈને તેમણે અરજી પરત ખેંચી લીધી હતી. જોકે, CJI ચંદ્રચૂડે તેમને અન્ય એક કેસમાં હસ્તક્ષેપ અરજી દાખલ હતું. તો બીજી તરફ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કહ્યું કે, અશ્વિની ઉપાધ્યાય પોતાની PILની જાણકારી સૌથી પહેલા મીડિયા સમક્ષ રાખે છે. અશ્વિની ઉપાધ્યાય જે મુદ્દાઓ પર કોર્ટનો આદેશ ઈચ્છે છે તે અધિકાર તો બંધારણમાં પહેલેથી જ લખાયેલ છે.
સુપ્રીમ કોર્ટમાં સમગ્ર દેશમાં બધા જ ધાર્મિક સ્થળોના સંચાલન માટે એકસમાન કાયદો બનાવવાની અપીલ કરતી એક અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયને ધાર્મિક સ્થળોની જાળવણી અને મેનેજમેન્ટનો એવો જ અધિકાર મળવા જોઈએ, જે મુસ્લિમ સમુદાયને મળ્યો છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હિન્દુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોની ધાર્મિક સંસ્થાઓ અને સ્થળોની જાળવણી અને સંચાલન રાજ્યના એટલે કે કેન્દ્ર સરકારનાં હાથમાં છે, જેથી તેની માટે બનાવેલા કાયદાને ફગાવી દેવો જોઈએ, કારણ કે આ કાયદો બંધારણની જોગવાઈઓ વિરુદ્ધ છે.
સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય, કાયદા મંત્રાલય અને દેશના બધા જ રાજ્યોને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હાલના કાયદા અનુસાર, રાજ્ય સરકારો હિંદુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોના ધાર્મિક સ્થળોને નિયંત્રિત કરે છે. હાલના કાયદા હેઠળ રાજ્ય સરકારો બધા જ મંદિરો, ગુરુદ્વારાને નિયંત્રિત કરે છે, પરંતુ મુસ્લિમ ધાર્મિક સ્થળોનું નિયંત્રણ સરકારના હાથમાં નથી. મંદિરો, ગુરુદ્વારા પર સરકારી નિયંત્રણ હોવાના કારણે તેમની હાલત ખરાબ છે.
ઉલ્લેખનીય છે કે, હિંદુ રિલિજિયસ ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ એક્ટ અંતર્ગત રાજ્ય સરકાર પાસે મંદિરોના નાણાંકીય અને અન્ય સંચાલન કરવાની છૂટ છે. જેથી રાજ્ય્સ સરકારના વિભાગો મંદિરોનું સંચાલન પોતાની પાસે રાખે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણની કલમ-14 સમાનતાની વાત કરે છે અને કલમ-15 કાયદાની સામે ભેદભાવ રોકે છે. લિંગ, જાતિ, ધર્મ અને જન્મ સ્થળના આધારે કોઈની સાથે ભેદભાવ થઈ શકે નહીં.
અરજી અપીલ કરવામાં આવી છે કે, હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધોને ધાર્મિક સ્થળોની જાળવણી અને સંચાલન માટે એવા જ અધિકારો મળવા જોઈએ, જે મુસ્લિમોને મળ્યો છે. આ સાથે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધોને પણ ધાર્મિક સ્થળો માટે સ્થાવર અને જંગમ મિલકત બનાવવાનો અધિકાર પણ મળે. અરજીમાં એવી પણ વિનંતી કરાઈ છે કે હાલમાં મંદિરોને નિયંત્રિત કરવાના કાયદાને ફગાવી દેવામાં આવે. તેમજ કેન્દ્ર અને લૉ કમિશનને કોમન ચાર્ટર ફોર રિલિજિયસ એન્ડ ચેરીટેબલ ઇન્સ્ટિટ્યૂટ માટે ડ્રાફ્ટ તૈયાર કરે અને એક યુનિફોર્મ લૉ બનાવે.