![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/01-74.jpg)
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. આજે જ્યારે દેશમાં કોમી તનાવ વધી રહ્યો છે, ત્યારે આ ગામમાં હિંદુ-મુસ્લિમ એકતાની મિસાલ જોવા મળી છે.
40 વર્ષ જૂના પારિવારિક સંબંધોની કહાની છે દિનેશભાઈ પરમાર અને આરેફાબેન વચ્ચેની. ચિખોદરા ગામમાં પાડોશી તરીકે રહેતા મુસ્લિમ વ્હોરા પરિવારની દીકરી આરેફાબેન કિશોરાવસ્થાથી જ દિનેશભાઈને રાખડી બાંધતી આવી છે. આરેફાબેનના આણંદ સ્થળાંતર બાદ અને માતર તાલુકાના ઉંઢેળા ગામના રજ્જાકભાઈ વ્હોરા સાથે લગ્ન થયા પછી પણ આ ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ અતૂટ રહ્યો છે.
![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/01-75.jpg)
આજે આરેફાબેનની દીકરી તયબાહના લગ્ન પ્રસંગે દિનેશભાઈ તેમના 200થી વધુ સગા-સંબંધીઓ સાથે મામેરું લઈને પહોંચ્યા હતા. મુસ્લિમ પરિવારે હિંદુ મોસાળિયાઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આરેફાબેનના ભાઈ અને આણંદ નગરપાલિકાના પૂર્વ ઉપનેતા ઈલ્યાસ આઝાદ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ કોમી એકતા માટે જાણીતા છે.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે આજના સમયમાં જ્યારે ધર્મના નામે વિવાદો થઈ રહ્યા છે, ત્યારે આવા પ્રસંગો સમાજ માટે પ્રેરણારૂપ છે અને કોમી એકતાનો સંદેશ આપે છે.