વિરોધ પક્ષના નેતા તરીકે પોતાના પહેલા જ સંબોધનમાં રાહુલ ગાંધીએ નિરાશ જ કર્યા. તેમણે કોઈ છાપ છોડવાને બદલે ટકરાવ અને કલેશ પેદા કરવાનું કામ કર્યું તેમણે કહ્યું કે જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ ૨૪ કલાક હિંસા અને નફરત કરે છે. જ્યારે તેમના આ કથન પર વાંધો ઉઠાવવામાં આવ્યો ત્યારે તેમણે સફાઈ આપી કે ભાજપ અને આરએસએસ જ હિંદુ નથી. આ નિષ્કર્ષ તો ઠીકછે, પરંતુ શું તેઓ એ સાબિત કરવા માગે છે કે જે પણ હિંદુ ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલો છે, તે ૨૪ કલાક હિંસા અને નફરત કરે છે? સંભવ છે કે તેઓ એવું જ માનતા હશે, પરંતુ તેમણે યાદ રાખવું જોઇએ કે હાલની લોક્સભા ચૂંટણીઓમાં ભાજપને લગભગ ૨૪ કરોડ મતદારોએ વોટ આપ્યા છે.
શું રાહુલ ગાંધી એમ કહેવા માગે છે કે આ બધા એ હિંદુ છે, જે ૨૪ કલાક હિંસા અને નફરત કરે છે? તેમનો મતલબ જે પણ હોય, તેમના આ કથનથી એટલું તો ખબર પડે જ છે કે તેઓ ભાજપને પોતાના રાજકીય વિરોધી રૂપે નહીં, પરંતુ એક શત્રુ રૂપે જુએ છે અને તેને નફરત પણ કરે છે.
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનની શરૂઆત જય સંવિધાનથી કરી અને દાવો કર્યો કે તેમણે તેને બચાવવાનું કામ કર્યું છે. સ્પષ્ટ છે કે તેઓ હજુ પણ ચૂંટણી મુદ્રામાં જ છે. કદાચ આ જ કારણે તેઓ સદનને બદલે કોઈ ચૂંટણી સભામાં સંબોધન કરતા હોય તેવું જ લાગ્યું.
એ ઠીક છે કે ચૂંટણી દરમ્યાન પણ તેમણે બંધારણ ખતરામાં હોવાનો હાઉ ઊભો કર્યો હતો અને માનવામાં આવે છે કે તેનાથી તેમને થોડો રાજકીય લાભ પણ મળ્યો, પરંતુ જો તેઓ બંધારણના એટલા જ મોટા હિતેચ્છુ અને રક્ષક હોય તો પછી એ કટોકટીની ટીકા તેઓ કેમ સહન ન કરી શક્યા, જે તેમનાં દાદીએ દેશ પર થોપીને બંધારણને બદલી નાખવાનું કામ કર્યું હતું, બલ્કે એવી વ્યવસ્થા પણ બનાવી દેવામાં આવી હતી કે કોઈપણ અદાલત સંસદમાંથી પસાર કોઈ કાયદાની સુનાવણી નહીં કરી શકે. આખરે તેને તાનાશાહી સિવાય બીજું કશું કહી શકાય?
શું એ હાસ્યાસ્પદ નથી કે રાહુલ ગાંધી એક તરફ બંધારણ બચાવવાનો દાવો કરી રહ્યા છે અને બીજી રફ એ જ બંધારણને કચડી નાખનારી કટોકટીની ટીકાને બિનજરૂરી ગણાવી રહ્યા છે? એવું નથી કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરતી વખતે રાહુલ ગાંધી સરકારની ટીકા નહોતા કરી શક્તા, પરંતુ તેમણે દેખાડ્યું કે તેમનો ઉદ્દેશ્ય સરકારની ટીકા કરવાનો ઓછો, પરંતુ જનતાને ગુમરાહ કરવાનો વધારે છે. એ જ કારણ તેમણે ત્યાં સુધી જૂઠ્ઠાણું ચલાવી દીધું કે જો કોઈ અગિદ્ઘવીરનો જીવ જાય તો તેના સ્વજનને સરકાર કોઈ વળતર નથી આપતી. આશ્ર્ચર્ય નહીં કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમના આ જૂઠ્ઠાણાનું સદનમાં જ ખંડન કર્યું.