મુંબઇ,
હિન્દી અંગે વિવાદ ફરીથી શરૂ થઈ ગયો છે. અભિનેતા કમલ હસને હિન્દી ભાષા અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. કમલ હસને કહ્યું છે કે હિન્દીને બીજા પર થોપવી એ મુર્ખામી છે. હિન્દીને થોપવાનો વિરોધ કરીશું. હિન્દી થોપવાની નાપાક દાનત બરબાદ કરી નાખશે. વાત જાણે એમ છે કે કમલ હસને આ વાત કેરળથી સીપીઆઈ-એમના સાંસદ જ્હોન બ્રિટોસની ટ્વીટને રિટ્વીટ કરતા કહી. સાંસદે હિન્દી પર કટાક્ષ કરતા જે નિવેદન સંસદમાં આપ્યું હતું તેના વીડિયોને ટ્વીટ કર્યો હતો.
સીપીઆઈ-એમના સાંસદ જ્હોન બ્રિટોસે પોતાના વીડિયોને રિટ્વીટ કરતા તેના કેપ્શનમાં લખ્યું કે આ દેશને હિન્દી થોપવાની નાપાક દાનત બરબાદ કરી નાખશે. જો સુંદર પિચાઈ આઈઆઈટીની પરીક્ષા હિન્દીમાં આપત તો શું ગૂગલમાં ટોપ પર હોત? ત્યારબાદ સાંસદ જ્હોન બ્રિટોસની ટ્વીટને રીટ્વીટ કરતા કમલ હસને લખ્યું કે કેરળ તે જ દર્શાવે છે અને આ એક કહેવત અડધા ભારત માટે છે. સાવધાન…પોંગલ આવી રહ્યો છે. ઓહ! માફ કરો ’જાગતા રહો’ તમારી સમજ માટે.
અત્રે જણાવવાનું કે હાલમાં જ જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી હતી ત્યારે કમલ હસન પણ તેમાં જોડાયા હતા. લાલ કિલ્લા પર થયેલી જનસભામાં કમલ હસને પણ ભાષણ આપ્યું હતું. દિલ્હીમાં જનતાને સંબોધન કરતા તેમણે હિન્દી કે અંગ્રેજીમાં નહીં પરંતુ તમિલમાં ભાષણ આપ્યું હતું.