હિન્દી ફિલ્મોની સરખામણીએ સાઉથની ફિલ્મો બેદાગ:નસીરુદ્દીન શાહ

મુંબઇ,

બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહ રાજકીયથી લઈ સોશિયલ મુદ્દા પર બોલવા માટે જાણીતા છે. હાલ તો નસીરુદ્દીન શાહ આગામી વેબસિરીઝ ’તાજ : ડિવાઇડેડ બાય બ્લડ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન નસીરુદ્દીને હિન્દી અને સાઉથની ફિલ્મો વચ્ચે તુલના કરીને વાતચીત કરી હતી. નસીરુદ્દીને જણાવ્યું હતું કે, હિન્દી ફિલ્મોની સરખામણી સાઉથની ફિલ્મો બનાવવા માટે તનતોડ મહેનત કરવી પડે છે.

નસીરુદ્દીન શાહના જણાવ્યા અનુસાર, સાઉથની ફિલ્મો જોવામાં ભલે ગમે તેવી હોય પરંતુ ફિલ્મનું કામ હંમેશા બેસ્ટ અને બેદાગ જ હોય છે. આ સાથે જ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હિન્દી ફિલ્મોએ હંમેશાં ધર્મની મજાક ઉડાવી છે.

નસીરુદ્દીન શાહનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જણાવે છે કે, હિન્દી ફિલ્મો હજુ પણ એ જ રૂઢિચુસ્ત સ્વભાવ પર અટવાયેલી છે. વધુમાં જણાવ્યું હતું કે, ’હિન્દી ફિલ્મોમાં શીખ, ખ્રિસ્તી અને પારસી ધર્મના લોકોની હંમેશાં મજાક ઉડાવવામાં આવે છે. લાગે છે કે, બીજાના દુ:ખ પર હસવું એ રાષ્ટ્રીય રિવાજ બની ગયો છે.પરંતુ જ્યારે આપણી કોઈ મજાક કરે છે ત્યારે આપણને અત્યંત દુ:ખ થાય છે પરંતુ બીજાની મજાક કરતા સમયે આ વિશે બિલકુલ વિચાર નથી કરતા. આપણે છેલ્લાં ૧૦૦ વર્ષથી ફિલ્મો બનાવી રહ્યા છીએ, આ ૧૦૦ વર્ષમાં આપણે એ પ્રકારની જ ફિલ્મો બનાવી છે જેમાં બીજા ધર્મની મજાક કરવામાં આવી હોય.

નસીરુદ્દીન શાહના મતે તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુ ઇન્ડસ્ટ્રીની ફિલ્મો હિન્દી ફિલ્મોની સરખામણીએ વધુ રિલેટેબલ છે. છેલ્લાં થોડાં વર્ષમાં આમિર ખાન અને અક્ષય કુમાર જેવા મોટા ગજાના બોલિવૂડ સ્ટાર્સની ફિલ્મો, ’કાંતારા’ જેવી દક્ષિણની નાના બજેટની ફિલ્મોથી પાછળ રહી ગઈ છે. ’આરઆરઆર’ અને કેજીએફ ૨’ એ બોલિવૂડ ફિલ્મોને અરીસો બતાવી દીધો છે.