હિમવર્ષાથી કાશ્મીર ઠંડુંગાર, ગુલમર્ગમાં માઇનસ ૧૦.૬ ડિગ્રી

શ્રીનગર, હવામાન ખાતાના જણાવ્યા અનુસાર શ્રીનગર શહેર સહિત કાશ્મીરના કેટલાક ભાગોમાં ફ્રેશ હિમવર્ષા નોંધાઈ હતી. દરમિયાન હવામાન ખાતાએ આગામી ૪૮ કલાકમાં ખીણમાં મયમથી ભારે હિમવર્ષા થવાની આગાહી પણ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં વહેલી સવારે ભારે બરફ પડયો હતો. દિવસ દરમિયાન ખીણના મેદાનોમાં પણ હિમવર્ષા નોંધાઈ હતી. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ દિવસનું તાપમાન શૂન્યથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. દક્ષિણ કાશ્મીરમાં પહેલગામ ટૂરિસ્ટ રિસોર્ટ કે જે અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ તરીકે પણ કામ કરે છે ત્યાં શનિવારે માઇનસ ૮.૩ ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

દેશના ઉત્તરીય રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે બરફ વર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે તેને પગલે આ રાજ્યોમાં બરફવર્ષા નોંધાશે. આ ઉપરાંત આઠ રાજ્યો-મધ્યપ્રદેશ , રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, લદાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં શનિવાર બાદ રવિવારે પણ કરા પડવાની આગાહી છે. આ આઠ રાજ્યોમાં લઘુતમ તાપમાન સાતથી ૧૦ ડિગ્રી વચ્ચે છે. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ , ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં સવારે ગાઢ ધુમ્મસ સાથે કડકડતી ઠંડી નોંધાઈ હતી.

બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરુણાચલપ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં અનેક સ્થાનો પર વરસાદ નોંધાયો હતો. જો કે શનિવારે દક્ષિણના રાજ્યોમાં હવામાન સાફ રહ્યું હતું અને ઠંડીની અસર પણ નહિવત્ જણાઈ હતી.