કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. એ અનુસાર ભૂપેન્દ્ર ઝાલા દ્વારા 6 હજાર કરોડનું કૌભાંડ કરાયું હોવાની સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ થઈ છે. એજન્ટ અને કર્મચારી સહિત સાતની ધરપકડ પણ કરાઈ છે. એવામાં મોડાસામાં પણ BZ જેવી જ MO અપનાવી ગ્રાહકોના કરોડો રૂપિયા પડાવતી ત્રણ કંપનીના સીઇઓ સામે CID ક્રાઈમે ફરિયાદ નોંધી છે.
હાલ એકના ડબલ જેવી BZના સીઇઓ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા અરવલ્લી અને સાબરકાંઠાના ગ્રાહકોને વધુ વ્યાજ આપીને નાણાં રોકવાના કેસમાં સીઆઇડી દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યાર બાદ મોડાસા ખાતે BZ જેવી જ એમઓ અપનાવી વધુ ત્રણ કંપનીના સીઈઓ દ્વારા ગ્રાહકોના કરોડો ઉઘરાવીને કૌભાંડ આચર્યું હોવાની ચર્ચાઓ હતી.
ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ મોડાસા ખાતે ચાલતી આર.કે. એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ઝાલા, હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝના સીઈઓ અજયસિંહ પરમાર અને કે.કે. એન્ટરપ્રાઇઝના સીઇઓ સામે કુલ 50 કરોડ ગેરકાયદે રીતે ગ્રાહકો પાસે ઊઘરાવી ગુનો આચાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
જોકે 26 તારીખે BZના કૌભાંડની સીઆઇડી ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી ત્યારથી આ ત્રણે કંપનીની ઓફિસોમાં ખંભાતી તાળાં લાગેલાં છે. આર.કે. એન્ટરપ્રાઇઝ અને હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝની ઓફિસો પર બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યાં છે. ત્યારે આ ત્રણે કંપનીના સીઇઓને પકડવા માટે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે.