હિંમતનગર: ભાજપનાં આયાતી ઉમેદવાર સામે વિરોધ, ઠેર ઠેર પોસ્ટરો લગાવાયા

હિંમતનગર,

રાજ્યમાં હાલ ચૂંટણી માટે તમામ પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. કેટલીક જગ્યાએ આ ઉમેદવારોને ઉત્સાહપૂર્વ આવકારાય છે તો ક્યાંક જાહેર ઉમેદવારોનાં નામનો વિરોધ પણ થઇ રહ્યો છે. આવી જ સ્થિતિ હિંમતનગર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વી.ડી. ઝાલાની છે. વી ડી ઝાલાનુ નામ જાહેર થતા જ હિંમતનગરમાં ભારે વિરોધ સામે આવ્યો છે. વી.ડી ઝાલાનું નામ આવતા રાતોરાત વિરોધ દર્શાવતા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે.

અહીં સીટિંગ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું પત્તુ કાપીને વી. ડી. ઝાલાને હિંમતનગર વિધાનસભામાં લાવવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિકો દ્વારા તીવ્ર પ્રતિભાવો મળી રહ્યા છે.

આ સાબરકાંઠા જિલ્લાની મહત્ત્વની ગણાતી હિંમતનગર બેઠક માટે સાબરડેરીના પૂર્વ ચેરમેન અને હિંમતનગર માર્કેટયાર્ડના ચેરમેન જેઠાભાઈ પટેલ, ક્સિાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ, બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હિરેનગોર, અમૃતભાઈ પુરોહિત, ક્ષત્રિય સમાજના ગોપાલસિંહ રાઠોડ તથા મહિલા મોરચાના ઉપાયક્ષ કૌશલ્યા કુંવરબા, રાજુભાઈ પંચાલ સહિતના સિનિયર દાવેદારો તથા વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની ટિકિટ કાપીને તલોદ તાલુકાના વિનેન્દ્રસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવી છે.

વિરોધ કરાતા પોસ્ટરોમાં લોકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા, પોસ્ટરોમાં ’આયાતી ઉમેદવાર અને વી.ડી.ઝાલા હાય હાય’ના લખાણો લખાયા છે.હિંમતનગર મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા તેમની પાસે માત્ર ત્રણ સપ્તાહથી ઓછો સમય બચ્યો છે. અહીં સીટિંગ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું પત્તુ કાપીને વી. ડી. ઝાલાને હિંમતનગર વિધાનસભામાં લાવવામાં આવ્યા છે.