હિંમતનગર,
૧૫ દિવસ પહેલાં જ ગુજસેલના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણ દ્વારા સરકારી વિમાનનો અગંત વપરાશ માટે ઉપયોગ કરતાં હોવાનો ખુલાસો થતાં તેમની પાસેથી ચાર્જ છીનવી લઈ આઈએએસ નીતિન સાંગવાનને વધારાનો ચાર્જ સોંપાવામાં આવ્યો હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી પાસે સાબરકાંઠા અને મહેસાણાના સરહદે આવેલા ધરોઈ જળાશય પર ફિશિંગ કમિશનર નીતન સાંગવાન ત્રણ દિવસ પહેલાં વિઝિટ કરવા માટે આવ્યા હતા. ત્યારે આરોપીઓએ કમિશનરે ઘૂંટણ પર બચકું ભરીને બોલાચાલી કરીને હુમલો કરી પેટના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. જેને લઈને વડાલી પોલીસ સ્ટેશનમાં પાંચ શખસો સહિત ૧૨ના ટોળા સામે ફરિયાદ નોંધાઇ છે. તો પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, વડાલીના ધરોઈ જળાશયમાં અંબાવાડા ગામ નજીક ફિશરીઝનો વ્યવસાય ચાલે છે. ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાન અને ફિશિંગ અધિકારી ડી.એન. પટેલ ફિશિંગ ક્રેઝ કલ્ચરની વિઝિટ માટે સોમવારે બપોરે આ વ્યવસાય સ્થળે આવ્યા હતા. જ્યાં માછલી ઉછેરનો વ્યવસાય કરતા ખેડબ્રહ્માના કંથાપુર ગામના માછલી ઉછેર કરનાર બાબુ પરમારને આ વાતની જાણ થઈ હતી. જેથી નીતિન સાંગવાનની વિઝિટ દરમિયાન ગેરરીતિને લઈને પોતાની ઉપર કાયદેસરની કાર્યવાહી થવાની બીકે બાબુ પરમારે ઉશ્કેરાઈ જઈને કમિશનરના ઘૂંટણના ભાગે બચકું ભરીને ઈજાઓ પહોંચાડી હતી.
એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, બાદમાં અન્ય ચાર વ્યક્તિઓ સ્થળ પર પહોંચ્યા અને આઈએએસ અધિકારીને માર માર્યો. ત્યારબાદ બાબુ પરમારે ૧૦થી ૧૨ અન્ય માણસોને બોલાવ્યા, જેઓ લાકડીઓ સાથે સશ ઘટનાસ્થળે આવ્યા અને સાંગવાન અને તેની ટીમને ત્યાં સુધી બંધક બનાવી રાખ્યા જ્યાં સુધી તેઓ ફરિયાદ નહીં કરે તેવું લખાણ લખી ન આપે. જ્યાં આરોપીઓએ ફિશિંગ અધિકારી અને કર્મચારીઓને કહેલું કે, ’તમારે જીવતા બહાર જવું હોય તો લખાણ લખી આપો કે, આજ રોજ મેં ક્રેઝની મુલાકાત લીધી છે અને મુલાકાત વખતે બાબુભાઈ સાથે બોલાચાલી થયેલી અને બાબુભાઈને મુક્કા મારેલા તે બાબતે સમાધાન થઇ ગયું છે, જેથી હું પોલીસમાં ફરિયાદ કરીશ નહીં તેવું લખાણ લખી આપો તેવી ધમકી આપી હતી.
એફઆઈઆરમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, બાબુ પરમાર અને અન્ય લોકોએ સાંગવાન અને તેની ટીમના સભ્યોને ડેમમાં ફેંકી દેવાની પણ ધમકી આપી હતી. જેથી મહામુસીબતે આઇએએસ અધિકારી અને તેમની ટીમ આરોપીઓના ચૂંગાલમાંથી બહાર આવીને ૧૨ શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં કમિશનર સાથે આવેલા અધિકારીઓને ભયમાં મૂકવા માટે, કમિશનર અને સાથે આવેલા અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી ફરજમાં રુકાવટ કરી સરકારી અધિકારીઓ પર હુમલો કરવાને લઈને વડાલી પોલીસ સ્ટેશનમાં ફિશિંગ અધિકારી દિનેશ નટવરલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી.
જ્યાં વડાલી પોલીસે બાબુ પરમાર અને તેના માણસો સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી. જેમાં ખેડબ્રહ્માના કંથાપુરના બાબુ પરમાર, દિલીપ પરમાર, બનાસકાંઠાના દાંતા તાલુકાના અડેરણના રાજુ ગમાર, નિલેષ ગમાર, રાહુલ અને બીજા ૧૦થી ૧૨ જણાના ટોળા સામે ગુનો નોંધ્યો છે. જેમાંથી બનાસકાંઠાના દાંતાના નિલેષ ગમાર, વિષ્ણુ ગમાર અને ખેડબ્રહ્માના કંથાપુરના દિલીપ પરમારને ઝડપી પાડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.