હિંમતનગર રેલવે સ્ટેશનની સાસંદ અને ધારાસભ્યએ આકસ્મિક મુલાકાત લીધી: શૌચાલયમાં ગંદકી, સ્વચ્છતાના અભાવે ખખડાવ્યા

હિંમતનગર,

હિંમતનગર રેલવે સ્ટેશન હવે મુસાફરોથી ધમધમી રહ્યું છે. ત્યારે ઉદેપુર-અમદાવાદ રેલવે સેવાની વ્યવસ્થા જળવાય તે માટે રેલવે માસ્ટરને સૂચનો કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ અને સ્થાનિક ધારાસભ્ય વી.ડી.ઝાલાએ રેલવે સ્ટેશન પર બેસેલા મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી.

હિંમતનગર રેલવે સ્ટેશનની સાંસદ અને ધારાસભ્યએ સ્થળ નિરીક્ષણ કર્યું ત્યારે રેલવે સ્ટેશન પર રેલવેની વાઈફાઈ સુવિધા બંધ જોવા મળી હતી. તેમજ સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો હતો. સાંસદ અને ધારસભ્યએ ચાલતા રેલવે સ્ટેશન પર ફરીને જાત તપાસ કરી હતી. જેમાં રેલવે સ્ટેશન પર શૌચાલય, પીવાની પાણીની વ્યવસ્થા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને જ્યારે શૌચાલયમાં ગંદકી જોવા મળી અને દરવાજા પણ તૂટેલા જોવા મળ્યા હતા અને પીવાના પાણીની વ્યવસ્થા પાસે ગંદકી જોવા મળી હતી. ત્યારે સાંસદ અને ધારાસભ્ય સ્ટેશન માસ્તર સાથે વાત કરી કર્મચારીઓનો ઉધડો લીધો હતો.

સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ અને સ્થાનિક ધારાસભ્ય વી.ડી.ઝાલાએ લીધેલી આકસ્મિક મુલાકાત દરમિયાન રેલવે સ્ટેશન પર જીઆરપી પોલીસનું મેં આઈ હેલ્પ યુ ની કાયમી વ્યવસ્થા અંગે પણ સ્થાનિક પોલીસ કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રેલવે વિભાગ દ્વારા હિંમતનગરના મુખ્ય મથક રેલવે સ્ટેશનને કરોડો રૂપિયાના ખર્ચે બ્રોડગેજ લાઈન નાખીને રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા સહિત રાજસ્થાનના પણ મુસાફરો રેલવે સેવાનો વધુમાં વધુ લાભ લે તેવું પણ સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું.

પીવાના પાણીના સ્થળની આજૂબાજૂમાં ગંદકી જોવા મળી હતી. ૨૦ મિનિટ સુધી રેલવે સ્ટેશનમાં ફરી વળ્યા હતા અને સુવિધાઓની તપાસ કરી હતી. જ્યાં ખામીઓ જણાઈ તેની નોધ કરી તો સ્ટેશન પર કચરા માટે મુકેલા ડબ્બામાં કચરો યથાવત ભરાયેલો હતો. કેટલાક કચરો ભરવાના બાસ્કેટ તૂટેલા જોવા મળ્યા હતા. પીવાના પાણીની પરબ એક્તો સ્ટેશન બહાર કચરામાં પડી રહેલી દેખવા મળી હતી. પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલા પરબ પર નળ જોવા મળ્યા ન હતા. આખાય રેલવે સ્ટેશન પર ખામીઓ અને સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. જાત નિરીક્ષણ કાર્ય બાદ જોવામાં આવ્યા પ્રમાણે રેલવે વિભાગને મુસાફરોને સેવા આપવામાં રસ ના હોય તેવું લાગ્યું હતું.