હિંમતનગર એલસીબીએ ૪૩ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો, ૩ શખ્શો ઝડપાયા

હિંમતનગર,સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોરીએ લોકોને પરેશાન કરી દીધા છે. જેને લઈ સ્થાનિક જિલ્લા એસપી અને રેન્જ આઈજી દ્વારા વાહન ચોરીઓને અટકાવવા અને વાહન ચોર ટોળકીને ઝડપી લેવા માટે પ્રયાસો શરુ કર્યા હતા. આ દરમિયાન હિંમતનગર LCB એ બાઈક ચોર ટોળકીને ઝડપી લેતા ૪૩ જેટલી બાઈક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે ૨૭ જેટલી બાઈક આરોપી ટોળકી પાસેથી કબ્જે કરી છે.

જિલ્લામાં બાઈક ચોરી માથાના દુ:ખાવા સમાન બની છે. મોટાભાગની ગેંગ સરહદી જિલ્લો હોઈ રાજસ્થાનથી આવીને બાઈક ચોરી કરીને રાજસ્થાનમાં વેચી દેતી હતી. પરંતુ છેલ્લા એક એક દોઢ વર્ષથી પોલીસને ધોંસ વિસ્તારમાં વધતા કેટલેક અંશે નિયંત્રણ કરાઈ રહ્યો છે. આ દરમિયાન મોટી ટોળકી પોલીસને હાથ લાગતા રાહત સર્જાઈ છે. એલસીબી દ્વારા હાથ લાગેલી આ ગેંગ દ્વારા મોટા ભાગે બનાસકાંઠા જિલ્લામાં પણ બાઈક ચોરીઓનો અંજામ આપ્યો હોવાનો ભેદ ખુલ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ઈડર અને વડાલી વિસ્તારમાં ચોરી કરવા ઉપરાંત આરોપીઓએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને વડગામ જિલ્લામાં ચોરીઓેને અંજામ આપ્યો હોવાનુ ઈડર ડીવાયએસપી સ્મિત ગોહીલે મીડિયાને જણાવ્યુ હતુ.

વિગતોનુસાર એલસીબી પીએસઆઇ એસજે ચાવડા અને ટીજે દેસાઈ બાતમીનુસાર પોશીના વિસ્તારમાં પનારી નદીના પુલ પર ઉભા રહેવા દરમિયાન શંકાસ્પદ બાઈક સવાર ૩ શખ્શો પસાર થયા હતા. તેમને રોકીને તેમની તપાસ કરતા તેઓે ચોરીના બાઈક સાથે હોવાનુ જણાયુ હતુ. બંનેને પોશીના પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ હાથ ધરતા ચોરીના ભેદ એક બાદ એક ખૂલવા પામ્યા હતા. ત્રણેય યુવકોએ ૪૩ જેટલી ચોરીની બાઈકના ભેદ કબૂલ કર્યા હતા. જેમાંથી એક શખ્શે પોતાની સંતાડી રાખેલી ૧૬ બાઈક પોલીસને બતાવી હતી જેને મોટે ભાગે બનાસકાંઠાના દાંતા, પાલનપુર અને વડગામથી ચોરી કરી હતી.

ઝડપાયેલ આરોપીઓમાં સીલારામ લસીયારામ બુબડીયા, રહે બાખેલ ખારાવલી ફળો, તા. કોટડા છાવણી, જિ. ઉદયપુર, રાજસ્થાન લાલારામ હીરારામ બુબડીયા, રહે. આંજણી, તા. પોશીના, જિ. સાબરકાંઠા મુકેશ ચુનાભાઈ ગમાર, રહે. ખણીયાગાઢી, ચંદ્રાણા, તા. પોશીના, જિ. સાબરકાંઠાનો સમાવેશ થાય છે જયારે ઝડપવાના બાકી આરોપીઓમાં લુકારામ લક્ષ્મણભાઈ બુબડીયા, રહે ઝાંઝર તા. કોટડા છાવણી જિ. ઉદયપુર, રાજસ્થાન. ગુડ્ડુ મુનીયારામ બુબડીયા, રહે બાખેલ, તા. કોટડા છાવણી જિ. ઉદયપુર, રાજસ્થાન. કમલ વિનીયારામ બુબડીયા, રહે કુકાવાસ, તા. કોટડા છાવણી, જિ. ઉદયપુર, રાજસ્થાન. અજય ધર્માભાઈ બુબડીયા, રહે ઝાંઝર તા. કોટડા છાવણી જિ. ઉદયપુરમ, રાજસ્થાન. દિલીપ ડાભી, રહે માંડવા. તા. કોટડા છાવણી જિ. ઉદયપુર, રાજસ્થાન. સવા ઉર્ફે ઓટા ખેર, રહે સાંઢમારીયા, તા. કોટડા છાવણી જિ. ઉદયપુર, રાજસ્થાન.કાળુ દીતાભાઈ બુબડીયા, રહે ઝાંઝર, તા. કોટડા છાવણી જિ. ઉદયપુર, રાજસ્થાનનો સમાવેશ થાય છે.