- ચીને નવો નકશો જાહેર કર્યો છે. જેમાં અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવ્યો છે
- લદ્દાખ પર રાહુલ ગાંધીનો દાવો સાચો છે
મુંબઇ,ચીને તાજેતરમાં તેનો સત્તાવાર નકશો જાહેર કર્યો છે, જેમાં ભારતના અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનનો તેનો હિસ્સો દર્શાવવામાં આવ્યો છે. હવે શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે આ અંગે સરકાર પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે લદ્દાખ પર રાહુલ ગાંધીનો દાવો સાચો છે અને જો કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો તેણે ચીન પર સર્જીકલ સ્ટ્રાઈક કરવી જોઈએ.
મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, લદ્દાખની પેંગોંગ ખીણમાં ચીન ઘૂસ્યું હોવાનો રાહુલ ગાંધીનો દાવો સાચો છે. ’અમારા વડાપ્રધાને તાજેતરમાં બ્રિક્સ સમિટમાં હાજરી આપી હતી અને ત્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. આ પછી ચીને નકશો જાહેર કર્યો છે. લદ્દાખની પેંગોંગ ખીણમાં ચીન ઘૂસ્યું હોવાનો રાહુલ ગાંધીનો દાવો સાચો છે. ચીન હવે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો તમારામાં હિંમત હોય તો ચીન સામે સર્જીકલ સ્ટ્રાઈક કરીને બતાવો.
જણાવી દઈએ કે ચીને ૨૮ ઓગસ્ટે નવો નકશો જાહેર કર્યો છે. જેમાં અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવ્યો છે. ચીનના નકશામાં અક્સાઈ ચીનનો વિસ્તાર પણ સામેલ કરવામાં આવ્યો છે. વર્ષ ૧૯૬૨માં અક્સાઈ ચીન પર ચીનનો કબજો હતો. આ નકશામાં તાઈવાન અને દક્ષિણ ચીન સાગરને પણ ચીનની સરહદના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ નકશો ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ નકશો સર્વે અને મેપિંગ પબ્લિસિટી ડે અને નેશનલ મેપિંગ અવેરનેસ પબ્લિસિટી વીકના અવસર પર બહાર પાડવામાં આવ્યો છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભૂતકાળમાં લેહ-લદ્દાખની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારનો દાવો કે ચીને ભારતની એક ઇંચ પણ જમીન પર કબજો નથી કર્યો. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ચીને ભારતીય જમીન પર કબજો જમાવ્યો છે અને તે ઊંડી ચિંતાનો વિષય છે. કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે ’સ્થાનિક લોકો એ વાતથી ચિંતિત છે કે ચીન અમારી જમીન પર કબજો કરી રહ્યું છે. તેઓ કહે છે કે ચીની સૈનિકોએ તેમનું ગોચર છીનવી લીધું છે, પરંતુ વડાપ્રધાન કહી રહ્યા છે કે એક ઇંચ પણ જમીન લીધી નથી, આ સાચું નથી, તમે અહીં કોઈને પૂછી શકો છો.