હિમંત બિસ્વા સરમા એવા પ્રયાસ કરે છે કે કોઈપણ વ્યક્તિ “ભારત જોડો ન્યાય યાત્રા”માં જોડાય નહીં.

  • યાત્રામાં કોઈ નિયમ તોડવામાં આવ્યા નથી,કોંગ્રેસ નેતા જયરામ રમેશ

નવીદિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં “ભારત જોડો ન્યાય યાત્રા” નીકાળવામાં આવી છે. આ યાત્રાને લઈ કોંગ્રેસ નેતા જયરામ રમેશે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પર નિશાન સાધ્યું છે. જયરામ રમેશે હિમંત બિસ્વા સરમાને પડકારતા કહ્યું હતું કે,મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા એવા પ્રયાસ કરે છે કે કોઈપણ વ્યક્તિ “ભારત જોડો ન્યાય યાત્રા”માં જોડાય નહીં.

લોક્સભા ચુંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા નીકાળવામાં આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની પાર્ટીના સહયોગી શુક્રવારની સવારે એટલે કે આજે સવારે બોટ દ્વારા માજુલી જવા રવાના થયા હતા અને તેની સાથે “ભારત જોડો ન્યાય યાત્રા” આસામમાં ફરીથી શરુ થઈ છે. યાત્રામાં જોડાયેલા નેતાઓ અને સમર્થકો બોટ દ્વારા જોરહાટ જિલ્લાના નિમતી ઘાટથી માજુલી જિલ્લાના અફલામુખ ઘાટ પહોંચ્યા હતા. સાથે મોટી બોટોની મદદથી કેટલાક વાહનોને પણ બ્રહ્મપુત્રા નદી પાર કરાવવામાં આવ્યા હતા. યાત્રામાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ પાર્ટીના મહા સચિવ જયરામ રમેશ, પ્રદેશ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા દેવવ્રત સૈકિયા સહિત કોંગ્રેસ પાર્ટીના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

અફલામુખ ઘાટ પર પહોંચ્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કમલાબારી ચરિયાલી જશે જ્યાં તે એક મુખ્ય વૈષ્ણવ સ્થળ ઔણિયાતી સત્રની મુલાકાત લેશે. ગરમુરમાંથી પસાર થતી “ભારત જોડો ન્યાય યાત્રા” સવારે જેંગરાયમુખમાં રાજીવ ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આરામ કરશે. તે દરમ્યાન જયરામ રમેશ અને પાર્ટીના સાંસદ ગૌરવ ગોગોઈ પત્રકાર પરિસદને સંબોધશે. ત્યારબાદ યાત્રા ઉત્તર લખીમપુર જિલ્લાના ઢકુવખના જવા બસ દ્વારા રવાના થશે. જ્યાં રાહુલ ગાંધી સાંજના સમયે ગોગામુખમાં જનસભાને સંબોધવીને કાર્યક્રમ યોજશે. કોંગ્રેસ પાર્ટી દ્વારા શેર કરાયેલા શેડ્યૂલ મુજબ, યાત્રા રાત્રે ગોગામુખ કોલોની મેદાનમાં રોકાશે.

“ભારત જોડો ન્યાય યાત્રા” મામલે કોંગ્રેસ પાર્ટીના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે યાત્રામાં કોઈ નિયમ તોડવામાં આવ્યા નથી. આસામના “ભારત જોડો ન્યાય યાત્રા”માં ભાગ લેતા લોકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવા જયરામ રમેશે હિમંત બિસ્વા સરમા પર આક્ષેપ લગાવ્યા છે. આ યાત્રાને કોઈ રોકી શકે તેમ નથી. અમે આગામી ૭ દિવસ આસામમાં છીએ. તેમને અમારી ધરપકડ કરવા દો. અમે પડકાર સ્વીકારીએ છીએ. તેવું જયરામ રમેશે જણાવ્યું હતું. રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા” મણિપુરથી શરૂ થઈ હતી. આ યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી ૬,૭૧૩ કિલો મીટરની પગપાળા યાત્રા કરશે. ૧૪ જાન્યુઆરીથી શરૂ થયેલી આ યાત્રા ૨૦ માર્ચે મુંબઈમાં પૂરી થશે. તેમજ રાજ્યોના ૧૦૦થી વધુ જિલ્લાઓમાંથી પસાર થઈ “ભારત જોડો ન્યાય યાત્રા” મુંબઈ પહોંચશે.