હિમાચલ પ્રદેશમાં પાવર પ્રોજેક્ટ્સ પર વોટર સેસ લગાવવાના કોંગ્રેસ સરકારના નિર્ણયને કાર્ટે રદ કર્યો

શિમલા,હિમાચલ પ્રદેશમાં સુખુ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્ય હાઈકોર્ટે (હિમાચલ હાઈકોર્ટ) હિમાચલ પ્રદેશમાં પાવર પ્રોજેક્ટ્સ પર વોટર સેસ લગાવવાના કોંગ્રેસ સરકારના નિર્ણયને રદ કર્યો છે. હાઇકોર્ટ દ્વારા આને લગતું નોટિફિકેશન રદ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશની સુખુ સરકારે પાવર પ્રોજેક્ટ્સ પર વોટર સેસ લગાવવાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તેની સામે કેટલીક કંપનીઓએ હાઈકોર્ટમાં અરજી કરીને આ નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારથી આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો. કૉંગ્રેસના રાજ્યસભાના ભૂતપૂર્વ ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી સહિત વકીલોની ફોજ કંપનીઓ વતી આ કેસની વકીલાત કરી રહી હતી. હવે આ મામલે હિમાચલ સરકારને ઝટકો લાગ્યો છે અને સરકાર દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનને હાઈકોર્ટમાં રદ્દ કરવામાં આવ્યું છે.

વરિષ્ઠ વકીલ રજનીશ માનિક્તલાએ કહ્યું કે હાઈકોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જે મુજબ વોટર સેસ સંબંધિત કાયદાને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો છે. કલમ ૨૪૬ હેઠળ રાજ્ય સરકારને કાયદો બનાવવાનો અધિકાર નથી. આવી સ્થિતિમાં હવે સરકાર વીજ કંપનીઓ પાસેથી કોઈ સેસ લઈ શકશે નહીં.

હિમાચલ સરકારે હિમાચલ પ્રદેશમાં ૧૭૩ પાવર પ્રોજેક્ટ્સ પર વોટર સેસ લગાવ્યો હતો. રાજ્યના ૧૭૩ પ્રોજેક્ટમાંથી આશરે રૂ. ૨૦૦૦ કરોડની વાષક આવક અંદાજવામાં આવી હતી. ગયા વર્ષે, ૨૫ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ, કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે પણ તમામ રાજ્યોને પત્ર લખીને વોટર સેસને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારો પાસે વીજળી ઉત્પાદન પર પાણી ઉપકર અને અન્ય શુલ્ક લાદવાની સત્તા નથી. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે વિધાનસભામાં વોટર સેસ પર બિલ પાસ કર્યું છે અને રાજ્ય વોટર સેસ કમિશન પણ બનાવ્યું છે.

મહત્વની વાત એ છે કે પંજાબ અને હરિયાણાએ પણ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. સુખુ સરકારે રાજ્યની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વોટર સેસ લાદવાનો નિર્ણય લીધો હતો. વોટર સેસનો દર ૦.૦૬ થી ૦.૩૦ રૂપિયા પ્રતિ ઘનમીટર નક્કી કરવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે બીબીએમબી,એનટીપીસી એનએચપીસી અને અન્ય ઘણી કંપનીઓએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.