હિમાચલ સરકારનું સંકટ

સુખવિંદર સિંહ સુખ્ખૂના નેતૃત્વવાળી હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર પરનું સંકટ હાલપૂરતું તો ટળી ગયું છે, કારણ કે ૧૫ ભાજપી ધારાસભ્યોને સદનમાંથી બરતરફ કરીને બજેટ પસાર કરાવી લેવાયું, પરંતુ જો વિદ્રોહી વલણ ધરાવતા કોંગ્રેસ ધારાસભ્યોનો અસંતોષ દૂર ન થયો તો સંકટ યથાવત રહી શકે છે. હિમાચલમાં કોંગ્રેસને બેવડો ઝાટકો લાગ્યો. એક તો છ ધારાયભ્યોના ક્રોસ વોટિંગને કારણે ભાજપના હર્ષ મહાજન રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હરાવવામાં સફળ રહ્યા અને બીજું, આ ધારાસભ્યોના વિદ્રોહને કારણે સરકાર અલ્પમતમાં દેખાવા લાગી. આ ધારાસભ્યોને મનાવવા દરમ્યાન મંત્રી વિક્રમાદિત્ય સિંહે રાજીનામું આપીને સંકટ ઓર વધારી દીધું. તેમણે રાજીનામું તો પાછું લઈ લીધું, પરંતુ શું તેઓ પોતાની માંગથી પીછેહઠ કરવા તૈયાર છે? તેની અવગણના ન કરી શકાય કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ વિક્રમાદિત્ય સિંહની માતા અને સાંસદ પ્રતિભા સિંહે મુખ્યમંત્રી પદ માટે દાવેદારી રજૂ કરી હતી, જેને નકારીને સુખવિંદર સિંહ સુખ્ખૂને કમાન સોંપવામાં આવી હતી. તેઓ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વીરભદ્ર સિંહનાં પત્ની છે. કોંગ્રેસ એવી સ્થિતિમાં નથી દેખાઈ રહી કે તે અસંતુષ્ટ ધારાસભ્યો વિરુદ્ઘ કડક કાર્યવાહી કરીને ખુદને સંભાળી શકે. વિક્રમાદિત્ય સિંહની સાથે સાથે વિદ્રોહ કરનારા ધારાસભ્યો પણ નેતૃત્વ પરિવર્તન ઇચ્છે છે. ખબર નહીં આગળ શું થશે, પરંતુ એટલું ચોક્કસ છે કે કોંગ્રેસ માત્ર એમ કહીને ર્ક્તવ્યની ઇતિશ્રી કરી શકે કે તેના ધારાસભ્યોના બળવા પાછળ ભાજપનો હાથ છે અને તે છળ-બળથી તેની સરકાર ગબડાવવા માગે છે. પરસ્પર વિરોધી દળો તો એકબીજાના નેતાઓના અસંતોષનો લાભ ઉઠાવવાની તાકમાં જ રહેતા હોય છે.

કોંગ્રેસ નેતૃત્વએ એ જણાવવું પડશે કે જે સુખવિંદર સિંહ સરકારે હજુ પોતાનો દોઢ વર્ષનો કાર્યકાળ પણ પૂરો નથી કર્યો, તે આટલી જલ્દી પોતાના જ ધારાસભ્યોના અસંતોષથી કેવી રીતે ઘેરાઈ ગઈ? આખરે એવું પણ નથી કે અસંતોષના સમાચારો જાહેર ન થયા હોય. સામાન્ય રીતે જ્યાં જે પક્ષ સત્તામાં હોય છે, તે રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષી ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવવામાં સફળ થાય છે, જેવું કે ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં થયું, પરંતુ હિમાચલમાં તો ઉલટું થયું. એ પણ કોંગ્રેસના કમજોર રાજકીય પ્રબંધનનું પ્રમાણ છે કે તે ત્રણ અપક્ષ ધારાસભ્યોને પોતાના પક્ષમાં માનીને ચાલી રહી હતી, પરંતુ તેમની સાથે તેના પોતાના છ ધારાસભ્યોએ પણ ભાજપના રાજ્યસભા ઉમેદવારને વોટ આપ્યો. તેનો મતલબ છે કે કોંગ્રેસ નેતૃત્વને તેની ગંધ પણ ન આવી કે પાર્ટીમાં શું ચાલી રહ્યું હતું? લાગે છે કે તે આ સવાલનો જવાબ શોધવા તૈયાર નથી કે તેના નેતાઓની નિષ્ઠા કમજોર કેમ થતી જાય છે? લોક્સભા ચૂંટણી પહેલાં હિમાચલનું સંકટ એ દર્શાવી રહ્યું છે કે કોંગ્રેસ નેતૃત્વ પાર્ટીને સંભાળવા અને તેને ઊર્જા આપી શકવામાં નિષ્ફળ છે. આ સંદેશ કોંગ્રેસને મનોવૈજ્ઞાનિક રૂપે કમજોર કરશે.