હિમાચલ પ્રદેશના સીએમ સુખુના નજીકના લોકોના સ્થળો પર ઈડીએ દરોડા પાડ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) નકલી આયુષ્માન ભારત એબી પીએમજેએવાય આઇ કાર્ડ મુદ્દાને લગતા મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડી રહી છે. ઘણી હોસ્પિટલો પર યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ સંબંધમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના નજીકના લોકોના સ્થળો પર ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે. ઈડીની ટીમ દેશભરમાં ૧૯ સ્થળો પર દરોડા પાડી રહી છે. મળતી માહિતી મુજબ ઈડીની ટીમ દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હિમાચલ પ્રદેશના કાંગડા, શિમલા, મંડી અને કુલ્લુમાં સર્ચ કર્યું છે

ઈડી અનુસાર, આ નકલી કાર્ડ દ્વારા ઘણા મેડિકલ બિલ જનરેટ થયા હતા, જેના કારણે સરકારી તિજોરી અને જનતાને નુક્સાન થયું હતું. હિમાચલના નગરોટાથી કોંગ્રેસના ધારાસભ્ય આરએસ બાલી, હિમાચલ પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમના અયક્ષ, હિમાચલ પ્રદેશ પ્રવાસન વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ, શ્રી બાલાજી હોસ્પિટલ, કાંગડા સાથે સંકળાયેલા ડૉ. રાજેશ શર્માના સ્થાનો પર પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

મળતી માહિતી મુજબ, ઈડીના આ દરોડાના કારણે હિમાચલમાં પણ રાજકીય ગરમાવો વધી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનામાં ગેરરીતિઓને કારણે આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ કરોડો રૂપિયાની ઉચાપત થવાની શક્યતા છે. જેના કારણે કોંગ્રેસના નેતાઓની મોટી ખાનગી હોસ્પિટલો નિશાને આવી હતી. ફરિયાદ મળ્યા બાદ પ્રાથમિક તપાસમાં કેટલાક પુરાવા મળ્યા હતા. આ પછી એક સાથે મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા.

અગાઉ મંગળવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ના અધિકારીઓએ કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડની તપાસના સંદર્ભમાં પશ્ર્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ૧૦ જુદા જુદા સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. એજન્સીના અધિકારીઓએ કેન્દ્રીય દળો સાથે મળીને રાજારહાટ, બારાસત, બસીરહાટ, ભાંગર અને દેગંગા વિસ્તારોમાં વેપારીઓ અને તૃણમૂલ કોંગ્રેસના બે નેતાઓના રહેઠાણો, મિલો અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા.