હિમાચલ પ્રદેશમાં વહેલામાં વહેલી તકે ઓપીએસ લાગુ થશે : મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખૂ

શિમલા,

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની ત્યારથી સરકારી કર્મચારી જે નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેના માટે મોટા ભાગના લોકોએ ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ આપ્યો હતો તેના માટે સુખવિંદર સુક્ખૂએ કવાયત શરૂ કરી દીધી છે. ઓલ્ડ પેન્શન સ્કીમનું વચન આપીને સત્તામાં આવેલા મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખૂએ કહ્યું હતું કે તેમણે ઓપીએસને વહેલામાં વહેલી તકે લાગુ કરવા માટે નાણા વિભાગ પાસેથી વિગતવાર દરખાસ્ત માંગી છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ૧૦ વચનો પૂરા કરવા માટે પ્રતિબદ્ધ છે અને ઓપીએસને કેબિનેટની પ્રથમ બેઠકમાં જ મંજૂરી આપવામાં આવશે. કોરોના થયા બાદ ક્વોરેન્ટાઈમમાં રહેલા સુક્ખૂએ કહ્યું હતું કે, ’નાણા વિભાગને હાલમાં નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓને ઓપીએસમાં લાવવા માટે વિગતવાર દરખાસ્ત તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.’ તેમણે એ પણ કહ્યું હતું કે અલગ-અલગ કર્મચારી સંગઠનો અને સમાજના વિવિધ વર્ગો પાસેથી પણ અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે જેથી તેને વધુ સારી રીતે લાગુ કરી શકાય.

સુક્ખુએ કહ્યું હતું કે સરકાર આગામી ચૂંટણી પહેલા તમામ ૧૦ ગેરંટી પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમની સરકાર પર્યાવરણને અનુકૂળ વાહનો અને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે.