આ વર્ષે આકાશમાંથી વરસેલા વરસાદે હિમાચલમાં તબાહીના ઘેરા ઘાવ આપ્યા છે. વરસાદી માહોલથી પરેશાન હિમાચલ પ્રદેશના લોકો હજુ પોતાને સંભાળે ત્યા ભૂકંપના જોરદાર ઝટકાએ લોકોની નીંદ ઉડાવી દીધી છે. જણાવી દઇએ કે, હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપી હતી. લાહૌલ સ્પીતિમાં આંચકાના કારણે અચાનક ઘરો ધ્રૂજવા લાગ્યા. લોકો ભયભીત થઈ ગયા, તેઓ ઘરની બહાર નીકળવા લાગ્યા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, બુધવારે હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભારતીય સમયાનુસાર રાત્રે 11.20 કલાકે અને 11 સેકન્ડ મોડી આંચકા અનુભવાયા હતા. જો કે, આના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. અગાઉ કાંગડા, કિન્નૌર સહિત અન્ય જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તે સમયે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશમાં પૂર અને વરસાદને કારણે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. બુધવારે સિરમૌરમાં વાદળ ફાટવાના કારણે ગિરી નદીનું જળસ્તર ઘણું વધી ગયું છે. રાજ્યની તમામ મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 24 જૂનથી સતત વરસાદ અને પૂરના કારણે રાજ્ય સરકારને અત્યાર સુધીમાં 6687.22 રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પૂરના કારણે 300થી વધુ રસ્તાઓ હજુ પણ બંધ છે. રાજ્યના ઉપરના વિસ્તારોમાં પૂરના કારણે વધુ નુકસાન થઈ રહ્યું છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ આકાશ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 223 લોકોના મોત થયા છે જ્યારે 295થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
વરસાદ અને પૂરના કારણે હિમાચલ પ્રદેશની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પડી ભાંગી છે. રાજ્ય સરકારે 8000 મકાનોના નુકસાનનો અંદાજ મૂક્યો છે, જ્યારે રાજ્યના વિવિધ વિભાગોને 6687.22 કરોડ સુધીના નુકસાનનો અંદાજ છે. ચોમાસાથી સતત વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ચંબા અને કાંગડા જેવા જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો પણ કામ કરી શકી નથી. રાજ્યના મહેસૂલ મંત્રી જગત સિંહ નેગીએ કહ્યું કે મુખ્યમંત્રી પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.