- હરિયાણા દિલ્હી સુધી પાણી પહોંચવાના માર્ગમાં અવરોધ ન બને, પરંતુ પાણી આપવામાં સંપૂર્ણ સહયોગ કરે.
દિલ્હીમાં વધી રહેલા જળ સંકટ પર સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે હિમાચલ પ્રદેશને દિલ્હી માટે ૧૩૭ ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો છે, કોર્ટે હરિયાણાને કહ્યું છે કે તે દિલ્હી સુધી પાણી પહોંચવાના માર્ગમાં અવરોધ ન બને, પરંતુ પાણી આપવામાં સંપૂર્ણ સહયોગ કરે. હરિયાણા સરકારની દલીલોને ફગાવી દેતાં કોર્ટે દિલ્હીમાં પાણીની અવિરત પુરવઠાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે પાણીનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે. તેમજ કોર્ટે સોમવાર સુધીમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.
દિલ્હીમાં વધી રહેલા જળ સંકટને લઈને દિલ્હી સરકારની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ પ્રશાંત મિશ્રા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અપર રિવર બોર્ડે રાજ્યો સાથે બેઠક કરી હતી, હિમાચલ પાણી આપવા તૈયાર છે, પરંતુ હરિયાણા વાંધો ઉઠાવી રહ્યું છે.
હરિયાણાના વિરોધના સવાલ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ્રશાંત મિશ્રાએ કહ્યું કે પાણી હરિયાણાથી નહીં પણ હિમાચલથી આવી રહ્યું છે. જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે આ રાઈટ ઓફ વેનો મામલો છે. જો આપણે આવા ગંભીર મુદ્દા પર ધ્યાન નહીં લઈએ તો શું થશે? જ્યારે હિમાચલ પાણી આપી રહ્યું છે તો હરિયાણાએ તેને પસાર થવા દેવુ જોઈએ. જરૂર પડશે તો કોર્ટ મુખ્ય સચિવને આદેશ આપશે.
દિલ્હીના વકીલ સિંઘવીએ રિપોર્ટ વાંચતા કહ્યું કે બિયાસ નદીનું પાણી હરિયાણાની નહેરો દ્વારા મોકલી શકાય છે. હિમાચલ આ માટે તૈયાર છે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને પૂછ્યું કે જ્યારે હિમાચલ પ્રદેશે તેની સંમતિ આપી દીધી છે, તો પછી તમે રસ્તો કેમ નથી આપી શક્તા? આના જવાબમાં હરિયાણાના વકીલે કહ્યું કે આ દરખાસ્ત શક્ય નથી: એવી કોઈ રીત નથી કે જેમાં તે શક્ય બની શકે.
દિલ્હી સરકારે કહ્યું કે હિમાચલે ઉદારતા બતાવી અને પાણી આપવાનું કહ્યું, પરંતુ હરિયાણાએ ના પાડી. જેના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે હિમાચલમાં વધારે પાણી છોડાયું છે કે નહીં તેની દેખરેખ કોણ કરશે. તેના પર હરિયાણાએ કહ્યું કે હિમાચલ દ્વારા કેટલું પાણી છોડવામાં આવ્યું છે તે જાણવાની કોઈ વ્યવસ્થા નથી જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે આવતીકાલે એવું કહીને રાજકારણ ન થવું જોઈએ કે હિમાચલ પાણી આપી રહ્યું છે, પરંતુ હરિયાણા તેને છોડતું નથી. તેના પર દિલ્હી સરકારના વકીલ સિંઘવીએ કહ્યું કે અમે માત્ર એક મહિનાનો સમય માંગ્યો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિશ્ર્વનાથને કહ્યું કે આ હવે બોર્ડની ભલામણ છે, અમે અરજી પર યાન આપી રહ્યા નથી, પરંતુ તેના પર આદેશ આપી રહ્યા છીએ. દિલ્હી વતી વકીલ શાદાન ફરાસતે આરોપ લગાવ્યો કે હરિયાણા સુપ્રીમ કોર્ટના કામમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. તેમની પાસે રસ્તો ન આપવા માટે કોઈ માન્ય કારણ નથી. જસ્ટિસ વિશ્ર્વનાથને દિલ્હી સરકારના વકીલને પૂછ્યું કે શું જળ સંકટને માન્યતા આપવામાં આવી નથી. તેમણે હરિયાણાના વકીલને પૂછ્યું કે, વધારાનું પાણી છોડવાનો આદેશ પસાર થાય તો તમને શું વાંધો છે? તેના પર હરિયાણાએ કહ્યું કે વધારાના પાણીને માપવા અને અલગ કરવાની કોઈ રીત નથી.