તમારો એક-એક વોટ મારી શક્તિ વધારશે: હિમાચલમાં પીએમ મોદીનો ઓપન લેટર

નવીદિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલા હિમાચલ પ્રદેશના મતદારોને પત્ર લખ્યો છે. ભાજપ નેતૃત્વએ વડાપ્રધાન મોદીના આ પત્રને હિમાચલ પ્રદેશના દરેક મતદાતા સુધી પહોંચાડવાની જવાબદારી ભાજપના પ્રભારીને સોંપી છે અને આ માટે જિલ્લા સ્તરે સંકલન કરવામાં આવી રહ્યુ છે. પીએમ મોદીએ પત્રમાં લખ્યુ છે કે જ્યારે તમે આપણી દેવભૂમિના ભવિષ્ય માટે તમારો મહત્વપૂર્ણ મત આપવા જઈ રહ્યા છો ત્યારે હું તમારા અવિરત આશીર્વાદ અને પ્રેમ માટે તમને નમન કરવા માંગુ છુ.

પીએમ મોદીએ લખ્યુ છે કે હિમાચલ એક એવી અલૌકિક ભૂમિ છે કે જે વ્યક્તિ એકવાર પણ મુલાકાત લે છે તે જીવનભર તેની આભા અનુભવે છે. મને ઘણી વખત તમારી વચ્ચે રહેવાનો લહાવો મળ્યો છે. આ ૠણ ચૂકવવા માટે હિમાચલની અવિરત સેવા કરવી એ મારી જીવનભરની ફરજ છે. ગત વર્ષોમાં ડબલ એન્જિન સરકારે સમગ્ર રાજ્ય અને ખાસ કરીને હિમાચલના સરહદી વિસ્તારોના વિકાસ માટે ઝડપથી કામ કર્યુ છે જે દાયકાઓથી ઉપેક્ષિત છે. હું આ વિકાસ અભિયાનને હિમાલયની ઊંચાઈ જેટલી ઊંચાઈ સુધી પહોંચતા જોવા ઈચ્છુ છુ.

તેમણે લખ્યુ કે મારી તમને સૌને ખાસ વિનંતી છે કે દેવભૂમિના વિકાસની આ યાત્રા આવનારા વર્ષોમાં પણ આ જ રીતે ચાલતી રહે. આ વિનંતી એટલા માટે પણ છે કે જ્યારે હું ૨૦૧૪માં કેન્દ્ર સરકારમાં આવ્યો હતો અને અહીં બીજી પાર્ટીની સરકાર હતી ત્યારે તેણે કેન્દ્રની યોજનાઓને આગળ વધવા દીધી ન હતી. હિમાચલમાં જ્યારે ભાજપની સરકાર બની ત્યારે વિકાસની ઝડપી પ્રક્રિયા શરૂ થઈ. આ શ્રેણીને અટકવા ન દેવી જોઈએ. તેમણે આગળ લખ્યુ કે મને પૂરો વિશ્વાસ છે કે ગત વખતની જેમ ભાજપ તમારા આશીર્વાદ મેળવશે અને હિમાચલમાં ફરી એકવાર કમળનુ ફૂલ ખીલશે. કમળના ફૂલને આપવામાં આવેલ દરેક મત મારી શક્તિમાં સીધો વધારો કરશે.