હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલી વિસ્તારમાં આવેલી મસ્જિદને લઈને વિવાદ વકર્યો છે. સંજૌલીમાં ગેરકાયદે રીતે બનેલી મસ્જિદ સામે છેલ્લા ઘણા દિવસોથી હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. આ વિવાદ હવે ગૃહમાં પહોંચી ગયો છે. આ અંગે વિપક્ષી નેતાઓએ રાજ્ય સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે.
આ દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના નેતા અસદુદ્દીન ઓવૈસીએ હિમાચલ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યું કે હિમાચલની સરકાર ભાજપની છે કે કોંગ્રેસની? હિમાચલની ’મોહબ્બત કી દુકાન’માં માત્ર નફરત છે.
સંજૌલીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામના વિરોધ પર સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું, ’અમારો કોઈ સમુદાયને હેરાન કરવાનો કોઈ ઈરાદો નથી. અમે રાજ્યમાં કોઈ ઘટના બનવા દઈશું નહીં. રાજકીય વિરોધ થતા રહે છે, પરંતુ કોઈપણ રાજકીય કાર્યર્ક્તાને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો કોઈ અધિકાર નથી. અમારા સ્થાનિક ધારાસભ્યો અને મંત્રીઓ ત્યાં વાતચીત કરી રહ્યા છે.
અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે, ’બંધારણ મુજબ ભારતમાં કોઈપણ વ્યક્તિ ક્યાંય પણ રહી શકે છે. અમારે એ સુનિશ્ર્ચિત કરવું પડશે કે કોઈપણ સમુદાયના કોઈ પણ વ્યક્તિ પરેશાન ન થાય. અમે આ જવાબદારી સારી રીતે નિભાવીશું. કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
જણાવી દઈએ કે હિન્દુ દક્ષિણપંથી સંગઠનોએ ગુરુવારે વિધાનસભાની નજીક ચૌડા મેદાનમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સંજૌલીમાં ગેરકાયદેસર મસ્જિદને તોડી પાડવાની માંગ કરી હતી. દેવભૂમિ ક્ષેત્રીય સંગઠનના પ્રમુખ રુમિત સિંહ ઠાકુરે સનાતનીઓને શિમલામાં એકઠા થવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે રાજ્યભરના લોકોએ તેમના આહ્વાનને હકારાત્મક પ્રતિસાદ આપ્યો અને ’સનાતન એક્તા’નું પ્રદર્શન કર્યું.
ગુરુવારે ૧ સપ્ટેમ્બરના રોજ મલાના વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો દ્વારા એક વેપારી પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યા બાદ આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ઘટના પછી તરત જ, લોકો સંજૌલીની બહાર મલાના વિસ્તારમાં એકઠા થયા અને ત્યાં એક મસ્જિદ તોડી પાડવાની માંગ કરી.