
ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવારે દેશના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે પહાડોમાં ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની આસપાસ ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનના કાટમાળ નીચે અનેક વાહનો ફસાઈ ગયા છે. જેના કારણે ત્યાં અરાજક્તા સર્જાઈ હતી.આ વાહનો વરસાદ વચ્ચે પહાડો પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પહાડો પરથી મોટા પથ્થરો ખસી ગયા અને રસ્તા પરથી પસાર થતા વાહનોને ઘેરી લીધા. પહાડો પરથી પડેલા કાટમાળમાં ૩ થી ૪ વાહનો ફસાઈ ગયા હતા. કોઈ રીતે વાહનમાં હાજર લોકોએ પોતાનો જીવ બચાવ્યો હતો.
ઘટના સ્થળે બૂમો પાડ્યા બાદ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ લોકોનો જીવ બચાવ્યો હતો. તેમજ ઘટના અંગે પોલીસ અને સ્થાનિક પ્રશાસનને જાણ કર્યા બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભૂસ્ખલન બાદ રસ્તા પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
ભારે વરસાદ વચ્ચે પહાડોની મુલાકાતે આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હિમાચલના ઊંચાઈવાળા જિલ્લાઓમાં રસ્તાઓ વધુ પ્રભાવિત થયા છે. સ્થાનિક પ્રશાસને પણ ભારે વરસાદ અને ખરાબ હવામાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ હવામાન વિભાગે કહ્યું કે હિમાચલના ઘણા જિલ્લાઓમાં વધુ વરસાદની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે માત્ર પહાડોમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાવા અને વાહનો ડૂબવા જેવી ઘટનાઓ સામે આવી છે. રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અડધાથી વધુ ટ્રક અને કાર રોડ પર જ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. નોઈડા સેક્ટર ૧૮ પાસે રોડ કિનારે ફૂટપાથની રેલિંગ તૂટીને પડી હતી.