
હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, યુપી અને પંજાબમાં 6 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હિમાચલમાં 24 કલાકમાં 39 જગ્યાએ ભૂસ્ખલન થયું છે. બિયાસ નદીના વહેણને કારણે ઈમારતો તણાઈ ગઈ હતી તેમજ પુલ તૂટી ગયો હતો.
છેલ્લા 72 કલાકમાં દેશનાં વિવિધ રાજ્યોમાં 76 લોકોએ જીવ ગુમાવ્યા છે. યુપીમાં 34, હિમાચલમાં 20, જમ્મુ-કાશ્મીરમાં 15, દિલ્હીમાં પાંચ, રાજસ્થાન અને હરિયાણામાં એક-એકનાં મોત થયાં છે.

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર થઈ ગયું છે. મંગળવારે સવારે 8 વાગ્યા સુધી નદીનું પાણી 206.32 મીટરે વહી રહ્યું હતું. 1978માં, સૌથી વધુ 207.49 મીટર સુધી પહોંચી ગયુ હતું.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં 6 દિવસથી અવિરત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, યુપી અને પંજાબ સહિત દેશભરમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે, છેલ્લા 24 કલાકમાં, સાત રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂરની વિવિધ ઘટનાઓમાં 56 લોકોના મોત થયા છે. સૌથી વધુ 34 મોત થયાં છે.

હિમાચલમાં સૌથી ખરાબ સ્થિતિ છે. અહીં 3 દિવસમાં 12 ઈંચ વરસાદ પડ્યો, જે સામાન્ય કરતાં 10 ગણો વધારે છે. અહીં પહાડો ધસી રહ્યા છે. ભૂસ્ખલનથી મકાનો અને પુલ તૂટી રહ્યાં છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજસ્થાન-એમપી સહિત 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 12 જુલાઈ સુધી, હિમાચલના 12માંથી 10 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પૂર અને વરસાદની સ્થિતિને લઈને મંત્રીઓ અને અધિકારીઓ સાથે વાત કરી હતી. પીએમઓના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.

10 જૂને, જ્યાં સમગ્ર દેશમાં 60% વરસાદની ઘટ હતી, તે હવે સામાન્ય કરતાં 2% વધુ છે. દેશનો કુલ વરસાદ હવે સામાન્ય કરતાં વધુ છે. 9 જુલાઇ સુધી સામાન્ય વરસાદ 9.4 ઈંચ હતો. હવે આંકડો એને વટાવીને 9.5 ઈંચ થઈ ગયો છે, જે 2% વધુ છે.
હિમાચલમાં મોન્સૂન-વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટકરાયાં, તેથી તબાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં ચોમાસામાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ થયો છે. બંને મોટી હવામાન સિસ્ટમ હિમાચલમાં ટકરાઈ હોવાથી સૌથી વધુ અસર ત્યાં જોવા મળી હતી. જ્યારે પણ ચોમાસું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મળે છે ત્યારે દેશના પશ્ચિમ હિમાચલ વિસ્તારમાં ભારે વરસાદ પડે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સામાન્ય રીતે નવેમ્બરથી માર્ચ દરમિયાન મહિનામાં ત્રણથી ચાર વખત થાય છે અને પર્વતોમાં હિમવર્ષા લાવે છે. પછી તેમની સંખ્યા ઘટે છે.

કેવા રહેશે આગામી 24 કલાક…
આ રાજ્યોમાં ભારે વરસાદ પડશેઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, ગુજરાત, ગોવા, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને ઓડિશા
આ રાજ્યોમાં થશે હળવો વરસાદઃ ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા અને તમિલનાડુમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે.