
શિમલા, સમગ્ર દેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઘણા રાજ્યમાં વરસાદ અને વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી દિલ્હીથી હિમાચલ સુધી તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે દિલ્હીમાં યમુના નદીનું પાણી ઉભરાઈ રહ્યું છે, ત્યારે હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સ્થિતિ ગંભીર છે.
ખાસ કરીને હિમાચલમાં વરસાદી આફતના કારણે ૮૦ લોકોના મોત થયા છે. તેમાં માર્ગ અકસ્માતને કારણે થયેલા મૃત્યુનો પણ સમાવેશ થાય છે. વરસાદ અને ભૂસ્ખલનના કારણે ૩૧ લોકોના મોત થયા છે. વરસાદ અને પૂરના કારણે ૪૭૦ પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં ચોમાસામાં ૧૦૦ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે જ્યારે ૩૫૦ મકાનોને નુક્સાન થયું છે. આ બધાની વચ્ચે ૧૦ લોકો હજુ પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે.
પંજાબ અને હરિયાણામાં વરસાદ અને પૂરના કારણે ૧૫ લોકોના મોત થયા છે. પંજાબમાં ૮ લોકોના મોત થયા છે જ્યારે હરિયાણામાં ૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. ચંદીગઢ, મોહાલી સહિત પંજાબના ઘણા વિસ્તારોમાં પૂરનો કહેર છે. ભારે વરસાદ બાદ સોમવારે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી જ્યારે ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પંજાબ અને હરિયાણામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનો કહેર ચાલુ છે. બંને રાજ્યોમાંથી આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં ક્યાંક ગાડીઓ વહેતી જોવા મળે છે તો ક્યાંક સોસાયટીઓમાં બોટ ફરતી જોવા મળે છે.પંજાબમાં, પટિયાલા, રૂપનગર, મોહાલી અને ફતેહગઢ સાહિબ જિલ્લામાંથી ૯૦૦૦ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. પંજાબમાં NDRFની ૧૫ ટીમો અને SDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી છે.ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુસાફરોને સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં રોકી દેવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. હિમાચલમાં ૩૧ લોકોના મોત થયા છે. તે જ સમયે, ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ૯ લોકોના મોત થયા છે જ્યારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં પણ મૃત્યુના અહેવાલ છે. ભારે વરસાદને કારણે નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે.