શિમલા,
હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. આ મામલો પત્ની સાથે મારપીટ અને ઘરેલુ હિંસા સાથે સબંધિત છે. રાજસ્થાનના ઉદયપુરની સ્થાનિક કોર્ટમાં આ મામલો વિચારણા હેઠળ છે અને આ મામલાની સુનાવણી થશે. હાલમાં હિમાચલ કેબિનેટની રેસ ચાલી રહેલા વિક્રમાદિત્ય સિંહ માટે આ એક મોટો આંચકો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શિમલા ગ્રામીણ ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહની પત્ની સુદર્શના ચંદાવતે ઉદયપુર કોર્ટમાં તેમના પતિ અને પરિવારના સભ્યો વિરુદ્ધ ઘરેલુ હિંસા અંગેની ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ ૧૭ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ આપવામાં આવી હતી. ૧૭ નવેમ્બર ૨૦૨૨ ના રોજ પ્રથમ સુનાવણીમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઉદયપુરની કોર્ટે વિક્રમાદિત્ય સિંહ, સાસુ પ્રતિભા સિંહ, ભાભી અપરાજિતા, નંદોઈ અંગદ સિંહ અને ચંદીગઢની એક યુવતી સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યા છે. તમામ આરોપીઓને બુધવારે ઉદયપુર કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વિક્રમાદિત્ય સિંહની પત્ની સુદર્શનાએ ઘરેલુ હિંસામાં મહિલા સુરક્ષા કાયદાની કલમ ૨૦ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરી છે. આરોપ છે કે, લગ્નના થોડા સમય બાદ ફરિયાદી સાથે ઘરેલુ હિંસા કરવામાં આવી હતી. ફરિયાદીએ કોર્ટમાં અરજી કરી છે કે, સાસરિયાઓ દ્વારા શારીરિક, માનસિક અને આર્થિક હિંસા ન થાય તે માટે તેના માટે અલગ રહેવા માટે ઘરની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવે. વિક્રમાદિત્ય સિંહના લગ્ન માર્ચ ૨૦૧૯માં મેવાડ વંશની રાજકુમારી સુદર્શના ચુંદાવત સાથે થયા હતા. થોડા સમય બાદ બંને વચ્ચે અણબનાવ થયો હતો અને બંને લાંબા સમયથી અલગ રહેતા હતા.
વિક્રમાદિત્ય સિંહે આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, આખો મામલો પારિવારિક છે. હાલમાં વિક્રમાદિત્ય સિંહ તેની માતા પ્રતિભા સિંહ સાથે દિલ્હી ગયા છે. વિક્રમાદિત્ય સિંહ હિમાચલના ૬ વખતના સીએમ વીરભદ્ર સિંહના પુત્ર છે અને બીજી વખત શિમલા ગ્રામીણમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.