
અમદાવાદ, ગુજરાતનું ખૂબ જ પસંદગીનું ફરવા જવાનું સ્થળ માઉન્ટ આબુ છે, જ્યાં હાલ ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં હાલ પારો ગગડ્યો છે. લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી પહોંચી ગઇ છે. માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડતાં સહેલાણીઓ ઠુંઠવાયા છે અને તાપણાં કરી લોકો ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યો છે. જેની અસર ગુજરાત અને રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતીઓના ફરવાના મનપસંદ સ્થળ આબુમાં વહેલી સવારે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. કાર ઉપર, જમીનના ઘાંસ ઉપર બરફ જામેલો જોવા મળી રહ્યો છે. હાડ થીજવતી ઠંડીના પગલે સહેલાણીઓ ઠુંઠવાયા છે. તો ઘણા પ્રવાસીઓ આ વાતાવરણની મજા પણ માણતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ચાર દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. હાલ સમગ્ર રાજ્યમાં તાપમાન સામાન્ય છે. આગામી ચાર દિવસ વાતાવરણ સુકુ રહેશે. ૨૨ તારીખ બાદ તાપમાન ૨થી ૩ ડિગ્રી વધી શકે છે.