રીયાધ,
ઈરાનના સર્વેસર્વાઓ પોતાને ઈસ્લામના ચુસ્ત અનુયાયીઓ તરીકે જણાવે છે, અને તેથી જ તેમણે મહિલાઓને ઘરની બહાર હીજાબ પહેરવા માટે આદેશ આપી દીધો છે. આ સામે ઈરાનમાં મહિલાઓએ પ્રચંડ દેખાવો શરૂ કરી દીધા છે. તેથી પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ છે કે તહેરાનની ખોમેવી સરકારના પાયા હચમચી ગયા છે. તેને વધુ મુંઝવણ તો તે થઈ રહી છે કે મહિલાઓને ફરજિયાત બુરખો (હીજાબ) પહેરવાના સરકારના આદેશ વિરૂદ્ધ સુશિક્ષિત પુરૂષ વર્ગ પણ મહિલાઓનાં આ વ્યાપક આંદોલનને ટેકો આપે છે.
આ સંયોગોમાં ઈરાનની સરકાર જનતાનું યાન બીજે દોરવા, પોતાની ઉપર કોઈપણ બહાને આક્રમણ કરશે જ તેવી ભીતિ સઉદી અરેબિયા સેવી રહ્યું છે. આથી તેણે અમેરિકાની સહાય માંગી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. એકલે હાથે ઈરાનની તાકાત સામે ટકી રહેવું સઉદી અરેબિયા માટે અસંભવ સમાન છે. તેથી તાજેતરમાં જ સઉદીની વધુ નજીક આવેલા અમેરિકાએ સઉદીની પીઠ થાબડતા કહી દીધું છે કે, મુંઝાશો નહીં અમે તમારી સાથે જ છીએ.
અમેરિકાનાં આ વલણ અંગે નિરીક્ષકો કહે છે કે એક તરફ અમેરિકાના પ્રતિબંધો અને આડક્તરી ધમકીઓની ’ઐસી કી તૈસી’ કરી ઈરાને તેનો પરમાણું કાર્યક્રમ ધપાવે જ રાખ્યો છે તો બીજી તરફ અમેરિકાના કટ્ટર શત્રુ રશિયાને ડ્રોન વિમાનો આપી ઈરાને અમેરિકાને ’વિધિવત્’ શત્રુ બનાવી દીધું છે. તો ત્રીજી બાજુએ તેલ કટોકટીમાં રાહત મેળવવા ઓપેક દેશોનાં અગ્રણી તેવા અરેબિયાની અમેરિકાને જરૂર છે, તેથી અમેરિકા સઉદીને સાથ આપવા અમેરિકાએ વચન આપ્યું છે.
તે સર્વવિદિત છે કે હીજાબ વિરોધી આંદોલનની ચીનગારી ચાંપનાર મ્હાસા અમીનીના પોલીસ કસ્ટડીમાં જ થયેલા મૃત્યુ પછી ઈરાનમાં તોફાની દેખાવો શરૂ થઈ ગયા. હજ્જારો મહિલાઓ સડકો ઉપર ઉતરી પડી હતી. તેમની સામે કઠોરમાંથી કઠોર કાર્યવાહીઓ કરી હોવા છતાં આ વિરોધ-વંટોળ શમવાનું નામ લેતો નથી. આ સંયોગોમાં સઉદી અરબસ્તાન ઉપર સુયોજિત આક્રમણ કરી યુદ્ધ છેડી જનતાનું યાન બીજે દોરવા ઈરાનના માંધાતાઓ પ્રયત્ન કરશે જ તેવી માહિતી પણ અંત:સચિત થઈ ચૂકી છે.
આ અંગે અમેરિકાની ’નેશનલ સિક્યુરિટી કાઉન્સીલ’ના પ્રવક્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ’અમે આ ધમકીની પરિસ્થિતિને લીધે ચિંતિત છીએ.’ આથી અમે જાસૂસી તેમજ લશ્કરી તેમ બંને દ્રષ્ટિએ સઉદીઓના સતત સંપર્કમાં રહીએ છીએ. આપણે આક્રમક તો નથી જ પરંતુ આપણા અને આપણા મિત્રોનાં હિતોનું રક્ષણ કરતાં જરીકે અચકાશું નહીં.ગયા મહીને ઈરાનના રિવોલ્યુશન ગાર્ડઝના એક ઉચ્ચ કમાન્ડર હુસૈન સલામીએ સઉદીને ઈઝરાયલ પર આધાર રાખવા અંગે ચેતવણી ઉચ્ચારી હતી. ૨૦૧૯માં સઉદી અરબસ્તાને તેના ઓઈલ પ્લાન્ટસ ઉપર મિસાઇલ હુમલો અને ડ્રોન હુમલો ઈરાને કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ઉલ્લેખનીય તે પણ છે કે સઉદી અરેબિયા ચુસ્ત સૂન્ની દેશ છે, જ્યારે ઈરાન શિયા પંથી છે. શિયાઓ અને સુન્નીઓ વચ્ચે તો સદીઓથી સંઘર્ષ રહેલો જ છે તે સર્વવિદિત છે.