હિજાબ કેસ: સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો, હોળી પછી સુપ્રીમ કોર્ટ આ મામલે બેન્ચની રચના કરશે

નવીદિલ્હી,

સુપ્રીમ કોર્ટે કર્ણાટક હિજાબ કેસ પર તાકીદની સુનાવણી હાથ ધરવાનો ઈનકાર કર્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે, હોળી પછી સુપ્રીમ કોર્ટ આ મામલે બેંચની રચના કરશે. હકીક્તમાં, અરજદાર શરિયત કમિટિ વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે પરીક્ષાને ટાંકીને તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. તેમણે કોર્ટને કહ્યું કે વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરીને પરીક્ષામાં બેસવા દેવી જોઈએ.

અરજદારે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે કર્ણાટકમાં ૯ માર્ચથી પરીક્ષા શરૂ થવાની છે, તેથી વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરીને પરીક્ષામાં બેસવાની છૂટ આપવી જોઈએ. અરજદારે દલીલ કરી હતી કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ મુદ્દે તાત્કાલિક સુનાવણી થવી જોઈએ. વિદ્યાર્થીનીઓ માટે એક વર્ષ વેડફાઈ ગયું છે. આ કિસ્સામાં માત્ર વચગાળાની રાહત ધ્યાનમાં લેવી જોઈએ.

વર્ષ ઓક્ટોબર ૨૦૨૨ માં, સુપ્રીમ કોર્ટમાં બે જજની બેન્ચે વિભાજિત ચુકાદો આપ્યો હતો. બંને ન્યાયાધીશોના અભિપ્રાયના મતભેદ બાદ મામલો મોટી બેન્ચને મોકલવામાં આવ્યો હતો. ચુકાદા બાદથી આ મુદ્દાની સુનાવણી માટે હજુ સુધી ત્રણ જજની બેન્ચની રચના કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટનું કામકાજ હોળીની રજાઓ માટે આજથી બંધ રહેશે અને ૧૩ માર્ચે ફરી ખુલશે.

લાઈવ લોના અહેવાલ મુજબ, સીજેઆઈએ કહ્યું, હું આ મામલાની સુનાવણી માટે એક બેન્ચ બનાવીશ. હું હોળી વેકેશન પછી તરત જ આ બાબતની યાદી આપીશ. આ પછી જ્યારે વકીલે વિદ્યાર્થીની ઓની પરીક્ષા વિશે પૂછ્યું તો સીજેઆઇએ કહ્યું, હું તમારા પ્રશ્ર્નોના જવાબ આપી શક્તો નથી. વકીલે કહ્યું કે વિદ્યાર્થીની ઓનું એક વર્ષ પહેલા જ બરબાદ થઈ ગયું છે અને હવે બીજું વર્ષ પણ વેડફાઈ જશે.

પહેલા ઓક્ટોબર ૨૦૨૨ માં, સર્વોચ્ચ અદાલતે કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ પર વિભાજિત ચુકાદો આપ્યો હતો. એક ન્યાયાધીશે કહ્યું હતું કે, રાજ્ય સરકારને શાળાઓમાં ડ્રેસ લાગુ કરવા માટે સત્તા આપવામાં આવી છે અને અન્ય ન્યાયાધીશે કહ્યું કે, હિજાબ એ પસંદગીની બાબત છે, જેને રાજ્ય સરકાર દબાવી શકે નહીં.