
અમદાવાદ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી માં બે વિદ્યાર્થીની સાથે થયેલા કથિત દુષ્કર્મ મામલે હાઇકોર્ટ દ્વારા કેસની ગંભીરતાને ધ્યાને લઇ સુઓમોટો પીટીશન દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે જીએનએલયુ તરથી રજૂ કરાયેલા સોગંદનામા પર ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે યુનિવર્સિટી એ રેગિંગની ઘટનાને નિવારવા લીધેલાં પગલાં વિશે જવાબ પણ માગ્યો હતો. ઉપરાંત યુનિવર્સિટી માં રેગીંગની ફરિયાદો થઇ છે કે નહીં અને જો થઈ હોય તો તેને કોણ સાંભળે છે? ફરિયાદો કમિટીના ચેરમેન સુધી પહોંચે છે કે નહીં?, તેનું શું પરિણામ આવ્યું એ અંગે પણ હાઈકોર્ટે જવાબ માગ્યો હતો.
ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જીએનએલયુ) ખાતે બીજા વર્ષની એક વિદ્યાર્થીની સાથે કથિત દુષ્કર્મ અને એક સમલૈંગિક યુવક સાથે જાતીય સતામણીની બે અલગ-અલગ ઘટના અંગેના સમાચારોને લઈ હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. જે કેસની સુનાવણી વખતે યુનિવર્સિટી નાં ઈન્ટરનલ કમ્પલેન કમિટીનાં ચેરપર્સન દ્વારા રીપોર્ટ રજૂ કરાયો હતો જેમાં યુનિવર્સિટી માં રેગિંગની કોઈ ફરિયાદ ન આવી હોવાની માહિતી આપવામાં આવી હતી.
આથી હાઈકોર્ટે ઝાટકણી કાઢી ટકોર કરી હતી કે,‘કોઈ વિદ્યાર્થીનીએ કરેલા ગંભીર આરોપ સામે ઈન્ટરનલ કમ્પલેન કમિટીનાં ચેરપર્સન દ્વારા કોઈ તપાસ કર્યા વગર જ રિપોર્ટ કેવી રીતે આપી દીધો? આ યુનિવર્સિટી સમગ્ર મામલો રફેદફે કરવા માગતી હોય તેવું લાગે છે. આ પ્રકારની દુર્ઘટનાના લીધે જ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાય છે.’કોર્ટે સરકારને સમગ્ર મામલે આઈપીએસને તપાસ સોંપવા સૂચના આપી હતી, જ્યારે રજિસ્ટ્રારે જવાબ આપ્યો હતો કે, નિવૃત્ત આઈપીએસ કેશવકુમારને તપાસ સોંપાઈ છે.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સોંગદનામા પરત્વે નારાજગી વ્યક્ત કરતાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદના આક્ષેપોની ખાતરી કરવા માટે નિવૃત્ત આઇપીએસ કેશવ કુમારની અધ્યક્ષતામાં ફેક્ટ ફાઈન્ડિંગ કમીટીની રચના કરાઈ છે અને તે સમિતિએ હજુ સુધી કોઇ રિપોર્ટ પણ આપ્યો નથી. હાઇકોર્ટે પ્રોફેસર અંજનીસિંહ તોમરને સંસ્થાની ફેક્ટ ફાઈન્ડિંગ કમીટીમાં નિમણૂંક કરવા મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઉપરાંત હાઈકોર્ટે સંસ્થાની ઇન્ટર્નલ કમ્પ્લેન્ટ કમીટી કાર્યરત નહીં હોવાના મુદ્દાની પણ ગંભીર નોંધ લીધી હતી અને તેથી હાઇકોર્ટે ઇન્ટર્નલ કમ્પ્લેન્ટ કમીટીના છેલ્લા ત્રણ વર્ષના અહેવાલ અને બંધારણ મંગાવ્યા હતા. હાઈકોર્ટે જીએનએલયુના રજિસ્ટ્રારને ભવિષ્યમાં આ કેસમાં સોંગદનામું કરતી વખતે સાવધાની રાખવા પણ સ્પષ્ટ ચેતવણી આપી હતી. ત્યારે હવે આ મામલે ૨ નવેમ્બર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.