નવીદિલ્હી, હાઇ બ્લડ પ્રેશર (બીપી) કે હાઇપરટેન્શનના લગભગ ૫૦ ટકા લોકોને લાંબા ગાળે કિડની પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. તેમને ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટની પર જરૂર પડી શકે એવી ચેતવણી નિષ્ણાતોએ ’વર્લ્ડ હાઇપરટેન્શન ડે’ પહેલાં ગુરુવારે આપી હતી.
’વર્લ્ડ હાઇપરટેન્શન ડે’ દર વર્ષે ૧૭ મેના રોજ ઉજવાય છે. તેનો હેતુ ’સાઇલેન્ટ કિલર’ તરીકે જાણીતા હાઇ બીપી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાઇ બીપીના ૧.૮૮ કરોડ દર્દી છે. લીલાવતી હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ એલ એચ સુરતકાલે જણાવ્યું હતું કે, ’હાયપરટેન્શનને નિયંત્રિત કરવામાં ન આવે તો કિડનીની આસપાસની નળીઓ સાંકડી બને છે કે નબળી પડે છે. તેને લીધે રક્તને શુદ્ધ કરવાની અને શરીરમાં ઇલેક્ટ્રો લાઇટ્સના નિયમનની કિડનીની પ્રક્રિયા ખોરવાય છે. હાયપરટેન્શન કિડનીમાં લોહીની નળીઓ અને ફિલ્ટર્સને નુક્સાન પહોંચાડે છે. શરીરનો કચરો બહાર કાઢવા માટે કાર્યક્ષમ કિડની જરૂરી છે.’ તેમણે કહ્યું હતું કે, ’હાઇ બીપીની સારવાર કરવામાં ન આવે તો કિડની ફેલ્યોરની શક્યતા વધે છે અને મૃત્યુનું જોખમ પણ ઊભું થાય છે. હાઇ બીપીના ૩૦ ટકા દર્દીને લાંબા ગાળે કિડનીનું નુક્સાન થાય છે અને ડાયાલિસીસ કે ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે.’
હાઇ બીપીની અસર હૃદય, મગજ અને આંખો પર થાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બેઠાડુ જીવન, સ્થૂળતા, શારીરિક શ્રમનો અભાવ અને તણાવને કારણે ૧૫થી ૬૦ વર્ષના ભારતીયોમાં હાયપરટેન્શનનું પ્રમાણ વયું છે. મુંબઇની ઝિનોવા શેલ્બી હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને રિનલ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન રુજુ ગાલાએ જણાવ્યું હતું કે, ’કિડનીની બીમારી ધરાવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. દર મહિને લગભગ ૮૦થી ૧૦૦ દર્દી સારવાર માટે આવે છે. જેમાંથી ૫૦થી ૭૫ લોકોને હાઇ બીપીની સમસ્યા હોય છે.’ તેમણે સમજાવ્યું હતું કે, ’હાઇ બીપી કિડનીમાં લોહીની નળીઓને સાંકડી કરીને તેના માળખાને નુક્સાન પહોંચાડે છે. તેને કારણે નેફ્રોસ્ક્લેરોસિસ થાય છે. જેમાં કિડની સ્થિતિસ્થાપક્તા ગુમાવે છે અને શરીરમાંથી કચરો બહાર કાઢવાની તેની ક્ષમતા ઘટે છે.’ રુજુએ કહ્યું હતું કે, ’હાઇપરટેન્શનને કારણે બીપીનું નિયમન કરતા અને કિડનીમાં પ્રવાહીનું સંતુલન જાળવતા હોર્મોન્સ અને એન્ઝાઇમ્સનું સંતુલન બગડે છે.’ WHOના જણાવ્યા અનુસાર ભારતમાં ૫૦ ટકા લોકો હાઇ બીપીને નિયંત્રણમાં રાખે તો ૨૦૪૦ સુધીમાં ઓછામાં ઓછા ૪૬ લાખ લોકોના મૃત્યુ અટકાવી શકાશે.