હિંડનબર્ગના નવા રિપોર્ટે હચમચાવી દીધુ અદાણીનું સામ્રાજ્ય, ૧,૧૮,૩૬,૩૫,૭૮,૦૦૦ નો ફટકો પડયો

અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે ૨૪ જાન્યુઆરી ૨૦૨૩ બાદ ફરીથી એકવાર એક રિપોર્ટ બહાર પાડીને ભૂકંપ સર્જી નાખ્યો છે. આ વખતે નિશાના પર સેબીના ચેરપર્સનલ માધવી પુરી બુચ હતા. પોતાના રિપોર્ટમાં હિંડનબર્ગે માધવી પુરી બુચ અને અદાણી ગ્રુપ વચ્ચે તાર જોડ્યા છે. સેબી પ્રમુખ પર આરોપ લગાવ્યા કે તેમણે પોતાના અંગત ફાયદા માટે અદાણી સમૂહ વિરુદ્ધ કાર્યવાહી કરી નહીં. આ રિપોર્ટ આવ્યા બાદ સોમવારે અદાણી ગ્રુપના શેરો પર નિગેટિવ અસર જોવા મળી. બજાર ખુલતાની સાથે જ અદાણીના ૧૦ શેર તૂટ્યા. તૂટતા શેર અને ઘટતી માર્કેટ કેપે ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ કડાકો બોલાવી દીધો.

હિંડનબર્ગના રિપોર્ટમાં સેબી પ્રમુખ પર અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમના પર અદાણી સમૂહને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો. અદાણી સમૂહને લઈને હિંડનબર્ગે સેબી ચીફના આરોપોની યાદી પણ બહાર પાડી દીધી. જેની અસર અદાણીના શેરો અને ગૌતમ અદાણીની સંપત્તિ પર જોવા મળી. હિંડનબર્ગના રિપોર્ટના કારણે ગૌતમ અદાણી સોમવારે દુનિયાના ટોપ લૂઝર બિલિયોનર્સની યાદીમાં બીજા નંબરે રહ્યા. એક જ ઝટકામાં તેમની સંપત્તિ ૧.૪૧ અબજ ડોલર એટલે કે લગભગ ૧,૧૮,૩૬,૩૫,૭૮,૦૦૦ રૂપિયા ઘટી ગઈ. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ તેમની સંપત્તિ ગણતરીના કલાકોમાં ઘટીને ૧૦૪ અબજ ડોલર પર પહોંચી ગઈ.

આ અગાઉ ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જ્યારે પહેલીવાર હિંડનબર્ગે અદાણીની કંપનીઓ પર એકાઉન્ટિંગ હેરાફેરી અને શેરોની ઓવરપ્રાઈઝિંગ અંગે લાંબો લચક રિપોર્ટ બહાર પાડ્યો હતો તો બજારમાં ઉથલ પાથલ મચી ગઈ હતી. અદાણીના શેરો ધડામ થયા હતા. બજારમાં ભારે ભૂકંપ સર્જાયો હતો. અદાણીના શેર ૬૫ ટકા સુધી તૂટ્યા હતા. કંપનીની માર્કેટ કેપ ૧૦૦ અબજ ડોલર સુધી સરકી ગઈ હતી. અદાણીની સંપત્તિ એટલી ઘટી ગઈ કે જે એક સમયે દુનિયાના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ હતા તેઓ ટોપ ૩૦માંથી પણ બહાર થઈ ગયા. જો કે આ વખતના રિપોર્ટની અસર શેર બજાર પર તો બહુ જોવા મળી નહીં. અદાણીના શેરો ઉપર પણ તેની મામૂલી અસર જોવા મળી.

હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે સેબી પ્રમુખ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની અદાણીની ઓફશોર કંપનીઓમાં ભાગીદારી છે. હિંડનબર્ગના આરોપોની અસર સોમવારે અદાણીના શેરો પર જોવા મળી હતી. શરૂઆતના કલાકોમાં અદાણીના શેર ૧૭ ટકા સુધી તૂટ્યા. સૌથી વધુ નુસાન અદાણી એનર્જીને થયું. જ્યારે અદાણી ટોટલ ગેસના શેર ૧૩.૩૯ ટકા તૂટ્યા. એ જરીતે અદાણી પાવર ૧.૨૧ ટકા, અદાણી ગેસ ૩.૯૫ ટકા, અદાણી પોર્ટ્સ ૨.૩૩ ટકા સુધી તૂટ્યા.