અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગએ ગત વર્ષે ભારતીય અબજપતિ ગૌતમ અદાણી સામે ગંભીર આરોપો મૂક્તાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. હવે આ વર્ષે તેણે ફરી અદાણીને સંડોવતાં માર્કેટ રેગ્યુલેટર સેબી પર નિશાન સાધ્યું . હિંડનબર્ગે તેના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ અને સેબી અધ્યક્ષ માધવી પુરી બુચ વચ્ચે કોઇ લિંક હોવાનો દાવો કરતાં આરોપ લગાવ્યો છે કે વ્હિસલબ્લોઅર પાસેથી મળેલા દસ્તાવેજો અનુસાર જે ઓફશોર સંસ્થાઓનો ઉપયોગ અદાણી મની સાઈફનિંગ સ્કેન્ડલમાં કરાયો હતો તેમાં સેબીના અધ્યક્ષની ભાગીદારી પણ હતી.
જોકે હિંડનબર્ગ દ્વારા લગાવાયેલા સનસનાટી મચાવતા આરોપો વિશે સીબીના ચેરપર્સને પણ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારી સામે લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને મને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે સવારે એક નિવેદન જારી કરતાં માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે કહ્યું કે હિંડનબર્ગના રિપોર્ટમાં લગાવાયેલા આરોપો પુરાવા વગરના છે અને તેમાં કોઈ સત્ય નથી. અમારું જીવન સૌની સામે જ છે. અમારે જે પણ ખુલાસા કરવાની જરૂર હતી તે તમામ જાણકારીઓ ગત વર્ષોમાં સેબીને આપી દીધી છે.
માધવી પુરી બુચે આગળ કહ્યું કે અમે કોઈપણ ફાયનાન્શિયલ ડૉક્યુમેન્ટનો ખુલાસો કરવામાં ખચકાશું નહી, જેમાં એ દસ્તાવેજ પણ સામેલ છે જે એ સમયગાળા સાથે સંકળાયેલા છે જ્યારે અમે સંપૂર્ણપણે સામાન્ય નાગરિક હતા. જો અધિકારીને જરૂર હશે તો અમે તે આપવા તૈયાર છીએ. દુર્ભાગ્યપૂર્ણ છે કે જે હિંડનર્બગ રિસર્ચ સામે સેબીએ કાર્યવાહી કરી છે અને કારણદર્શક નોટિસ મોકલી છે તેણે એના જ જવાબમાં અમારા ચરિત્રને બગાડવાનો પ્રયાસ કર્યો છે.અદાણી ગ્રુપે કહ્યું કે તેમની કંપનીઓ વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપો તે ફગાવે છે.
અદાણી ગ્રુપનું વિદેશી હોલ્ડિંગ સ્ટ્રક્ચર પારદર્શી છે.હિંડનબર્ગના નવા અહેવાલના પ્રકાશન પછી, રાજકીય કોરિડોરમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. પાર્ટી અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે સેબીના વડા માધબી પુરી બુચ અને કેન્દ્ર સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. હવે આ મામલે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસે છેલ્લા ૧૦ વર્ષમાં જૂઠાણાની રાજનીતિની રણનીતિ અપનાવી છે. આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને વિદેશી સંગઠનો વચ્ચેની સાંઠગાંઠ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
૧૦ ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા તાજેતરના હિન્ડેનબર્ગ સંશોધન અહેવાલમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્તમાન સેબીના વડા માધાબી બુચ અને તેમના પતિનો અદાણી નાણાંની ગેરઉપયોગી કૌભાંડમાં ઉપયોગ કરાયેલા બંને સંદિગ્ધ ઓફશોર ફંડ્સમાં હિસ્સો છે. હિન્ડેનબર્ગે તેના નવા રિપોર્ટમાં કહ્યું છે કે તેણે ૧૮ મહિના પહેલા અદાણી ગ્રૂપ પર તેનો રિપોર્ટ જાહેર કર્યો હતો, પરંતુ સેબીએ ગ્રૂપ સામે પગલાં લીધા ન હતા. જોકે, સેબીના વડા અને અદાણી જૂથે આ આરોપોને નકારી કાઢ્યા છે.
બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, ’છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે પણ સંસદનું સત્ર શરૂ થાય છે ત્યારે વિદેશમાં કોઈને કોઈ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. પીએમ મોદી પર બનેલી ડોક્યુમેન્ટરી સંસદ સત્ર પહેલા જ રિલીઝ કરવામાં આવી હતી. હિંડનબર્ગનો રિપોર્ટ સંસદના સત્ર પહેલા જાન્યુઆરીમાં આવ્યો હતો. આ તમામ વિકાસ સંસદ સત્ર દરમિયાન થાય છે. વિપક્ષના વિદેશી દેશો સાથે આવા સંબંધો છે જે ભારતના દરેક સંસદ સત્ર દરમિયાન અસ્થિરતા અને અરાજક્તા પેદા કરે છે.
તેમણે કહ્યું, ’તેઓ મૂંઝવણ દ્વારા ભારતમાં આર્થિક અરાજક્તા પેદા કરવા માંગે છે. હવે તેઓ સેબી પર હુમલો કરી રહ્યા છે. કોંગ્રેસ છેલ્લા ૩૦-૪૦ વર્ષથી વિદેશી કંપનીઓ સાથે કેમ ઉભી છે? તે યુનિયન કાર્બાઈડ સાથે કેમ ઉભી હતી? હું પૂછવા માંગુ છું કે તમારી વિદેશી સંસ્થાઓ સાથે કેવા પ્રકારની મિત્રતા છે કે તમે ભારતની આર્થિક સંસ્થાના દરેક વિષયને નિશાન બનાવી રહ્યા છો.
બીજેપી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું, ’આ કેટલીક અટકળો અને અનુમાન છે, જે સત્યના કેટલાક તત્વો સાથે ભળી રહી છે. તેની પાછળ ચોક્કસ યોજના છે. ભારતની નાણાકીય વ્યવસ્થા આજે વિશ્વમાં સૌથી મજબૂત છે. ભારતીય બેંકો મજબૂત છે. પીએમ મોદીએ છેલ્લા ૧૦ વર્ષમાં ભારતીય નાણાકીય ક્ષેત્રનું પુન:નિર્માણ કર્યું છે. એવું લાગે છે કે કોંગ્રેસે છેલ્લા ૧૦ વર્ષમાં જૂઠાણાંની રાજનીતિ અપનાવી છે અને હવે તે સ્વતંત્ર નિયમનકાર સેબી પર હુમલો કરીને અને સેબીના અધ્યક્ષ પર આક્ષેપો કરીને આપણી નાણાકીય વ્યવસ્થાને અસ્થિર કરવા અને દેશમાં અરાજક્તા ફેલાવવા માટે વિદેશી મદદ માંગી રહી છે . રિપોર્ટમાં વિશ્વાસ કરવા જેવું કંઈ નથી.
નવો રિપોર્ટ જાહેર કર્યા બાદ હિંડનબર્ગે કહ્યું હતું કે, અદાણી ગ્રૂપ અંગેના અમારા મૂળ અહેવાલને લગભગ ૧૮ મહિના વીતી ગયા છે. કોર્પોરેટ ઈતિહાસના સૌથી મોટા કૌભાંડમાં ભારતીય બિઝનેસ સમૂહ (અદાણી) સામેલ હોવાના પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. જો કે, નક્કર પુરાવા અને ૪૦ થી વધુ સ્વતંત્ર મીડિયા તપાસ હોવા છતાં, સેબીએ અદાણી જૂથ સામે બળજબરીભર્યા પગલાં લીધાં નથી. પગલાં લેવાને બદલે, સેબીએ અમને જૂન, ૨૦૨૪માં સ્પષ્ટ ’કારણ બતાવો’ નોટિસ મોકલી.
મોરેશિયસમાં અદાણી ગ્રૂપના બ્લેક મની નેટવર્કની સંપૂર્ણ માહિતી આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ગુપ્ત દસ્તાવેજોને ટાંકીને, હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું હતું કે સેબીના અધ્યક્ષ અને તેમના પતિ અદાણી કૌભાંડમાં ઉપયોગમાં લેવાતી ઓફશોર એન્ટિટીમાં હિસ્સો ધરાવે છે. આ સંસ્થાઓ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી દ્વારા ચલાવવામાં આવે છે.
રિપોર્ટમાં આરોપ છે કે માધબી પુરી બુચે તેના શેર તેના પતિને ટ્રાન્સફર કર્યા હતા. એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૨૨ સુધી, માધબી પુરી સેબીના સભ્ય અને ચેરપર્સન હતા. સિંગાપોરમાં અગોરા પાર્ટનર્સ નામની કન્સલ્ટિંગ ફર્મમાં તેમનો ૧૦૦ ટકા હિસ્સો હતો. ૧૬ માર્ચ, ૨૦૨૨ ના રોજ સેબીના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂકના બે અઠવાડિયા પહેલા, તેમણે કંપનીમાં તેમના શેર તેમના પતિના નામે ટ્રાન્સફર કર્યા.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ આ કંપનીએ એક રિપોર્ટ દ્વારા અદાણી ગ્રુપને મોટો ઝટકો આપ્યો હતો. જાન્યુઆરી ૨૦૨૩માં હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથને લક્ષ્યાંક બનાવતો અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલે ખળભળાટ મચાવ્યો હતો, કારણ કે હિંડનબર્ગે અદાણી જૂથ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ જાહેર થયા બાદ શેરબજારમાં ભૂકંપ આવી ગયો હતો. રોકાણકારોના કરોડો રૂપિયાનું નુક્સાન થયું હતું. અદાણી ગ્રૂપના મોટા ભાગના શેર સતત ઘટયા હતા. આર્થિક નુક્સાનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રિપોર્ટ સામે આવ્યા પહેલા ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોમાં બીજા નંબરના અબજોપતિ હતા, પરંતુ નેગેટિવ ન્યૂઝના કારણે તેઓ ૩૬મા નંબરે સરકી ગયા હતા.