હીરોઈન ૧૯ વર્ષની જ દેખાવી જોઈએ, તેવી અપેક્ષા ખોટી: હુમા

મુંબઇ, ગેંગ્સ ઓફ વાસેપુરથી જાણીતી બનેલી હુમા કુરેશીએ મોનિકા ઓ માય ડાર્લિંગ , મહારાની, ડબલ એક્સએલ અને તરલા જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં આશ્ર્ચર્યજનક રોલ કર્યા છે. ગ્લેમરસ કેરેક્ટરથી માંડીને સિમ્પલ ગૃહિણીના કેરેક્ટરને હુમાએ ઓનસ્ક્રિન જીવી બતાવ્યા છે. પોતાની ઈમેજ કોઈ એક પ્રકારના રોલમાં બંધાઈ જવાની બીક હુમાને લાગતી નથી. હુમાનું માનવું છે કે, સ્ક્રિપ્ટની ડીમાન્ડ મુજબ તે ૨૦ વર્ષથી માંડીને ૫૦ વર્ષ સુધીના રોલ કરવા સક્ષમ છે.

હુમાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ઓટીટી પ્લેટફોર્મ્સના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વધારે ખુલી છે. લોકોને વધારે કન્ટેન્ટ મળી રહ્યું છે અને નવા આઈડિયાને આવકારી રહ્યા છે. નારી કેન્દ્રિત સ્ટોરીઝ સારી ચાલે છે. તેના કારણે કઈ ફિલ્મ ચાલશે કે નહીં ચાલે તેની ગણતરી બદલાઈ છે. આર્ટિસ્ટ તરીકે પોતાની જાતને જ પડકારવાના ઈરાદાને જાહેર કરતાં હુમાએ જણાવ્યું હતું કે મોનિકા જેવો ગ્લેમરસ રોલ કર્યા પછી તરલા જેવી સરળ ગૃહિણીનો રોલ કર્યો હતો. હું ચોક્કસ પ્રકારના બીબા ઢાળ રોલ કરી શકું છું તેમ કોઈ ન કહે તેવી મારી ઈચ્છા છે. હેલન કે પરવીન બાબીએ વર્ષો પહેલા મોનિકા, ઓ માય ડાર્લિંગમાં જે કર્યું હતું તેને રીક્રીએટ કરવાનું મને ગમે છે.

આ સાથે તરલા દલાલના જૂના વીડિયો જોઈને તેમની જેમ રસોઈ કરવાનું અને વાત કરવાનું પણ મને ગમે છે. ડબલ એક્સએલ ફિલ્મમાં ક્રિકેટર શિખર ધવન સાથે ડાન્સ કરતી વખતે મારો જાડો હાથ જોઈ ઘણાને નવાઈ હતી. મેં કૃત્રિમ રીતે પેડિંગ કરીને આવા હાથ ન હતા બનાવ્યા. આ રોલ માટે ૨૦ કિલો વજન વધાર્યું હતું. હકીક્તમાં જાડા બન્યા વગર જાડા લોકોની માનસિક્તાને રજૂ કરવાનું શક્ય જ નથી. તેથી દરેક કેરેક્ટરમાં જીવી લેવાની મારી ઈચ્છા છે. દર વખતે હીરોઈન જ સુંદર શા માટે દેખાવી જોઈએ. હીરોઈન પર ૧૯ વર્ષના દેખાવાનું પ્રેશર હંમેશા હોય છે, જે ખોટું છે. હું ૨૦ વર્ષથી માંડીને ૫૦ વર્ષ સુધીની એક્ટ્રેસના રોલ કરવા સક્ષમ છું.