નવીદિલ્હી, ઈડીએ ઝારખંડના સીએમ હેમંત સોરેનના દિલ્હી સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ઝારખંડના સીએમ હેમંત સોરેન સ્થળ પર જોવા મળ્યા ન હતા, પરંતુ ઈડીની ટીમે બંગલામાંથી મોટી માત્રામાં રોકડ જપ્ત કરી હતી. ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે હેમંત સોરેનના બંગલામાંથી ૩૬ લાખ રૂપિયાની રોકડ મળી આવી છે, તેની સાથે બે લક્ઝરી કાર પણ જપ્ત કરવામાં આવી છે.
દક્ષિણ દિલ્હીમાં હેમંત સોરેનના બંગલામાં ઈડીએ દરોડા પાડ્યા અને લગભગ ૧૩ કલાક સુધી ઈડ્ઢની ટીમ બંગલામાં હાજર રહી. ઝારખંડમાં જમીન કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઈડીની ટીમ હેમંત સોરેનના બંગલે પહોંચી હતી. રોકડની સાથે, ઈડીએ બંગલામાંથી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે હરિયાણા નંબરની બીએમડબ્લ્યુ કાર અને અન્ય કાર પણ રિકવર કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, હેમંત સોરેને ઈડીને જણાવ્યું છે કે તેઓ બુધવારે તેમના રાંચીના નિવાસસ્થાને મળશે.
ઝારખંડની સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાએ તેના તમામ ધારાસભ્યોને રાંચી ન છોડવા જણાવ્યું છે. આ ઉપરાંત, જેએમએમએ રાજ્યના વર્તમાન રાજકીય પરિદ્રશ્ય પર ચર્ચા કરવા માટે મંગળવારે રાંચીમાં એક મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવી છે. તે જ સમયે, ભાજપે ઝારખંડના સીએમ હેમંત સોરેનને ભાગેડુ જાહેર કર્યા છે અને સીએમ વિશે માહિતી આપનારને ૧૧,૦૦૦ રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. ભાજપે મુખ્યમંત્રી પર રાજ્યનું સન્માન બગાડવાનો આરોપ પણ લગાવ્યો.
જમીન કૌભાંડમાં પૂછપરછ માટે ઈડીએ હેમંત સોરેનને અનેક વખત સમન્સ જારી કર્યા છે. જો કે, અનેક સમન્સ જારી થયા બાદ પણ હેમંત સોરેન ઈડી સમક્ષ હાજર થયા ન હતા. તાજેતરમાં, ઈડીની ટીમે હેમંત સોરેનની રાંચીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ પછી, ઈડીએ ફરીથી સમન્સ જારી કરીને તેને ૨૯ અથવા ૩૦ જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. શનિવારે હેમંત સોરેનના દિલ્હી આગમનની માહિતી સામે આવી હતી, ત્યારપછી ઈડીની ટીમ હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે દિલ્હીમાં તેના ઘરે પહોંચી હતી, પરંતુ હેમંત સોરેન ત્યાં પણ મળ્યો નહોતો.