હેમંત સોરેને કોર્ટમાં જામીન અરજી કરી, કહ્યું- મારી ધરપકડ રાજકીય રીતે પ્રેરિત છે

રાંચી,ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. દરમિયાન, મંગળવારે તેણે રાંચીની વિશેષ અદાલત સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી. આ દરમિયાન તેણે આરોપ લગાવ્યો કે તેની ધરપકડ રાજકીય રીતે પ્રેરિત છે. તેમની ધરપકડ તેમને ભાજપમાં સામેલ કરવાના સુનિયોજિત કાવતરાનો ભાગ હતો. નોંધનીય છે કે ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ઈડીએ કથિત જમીન કૌભાંડ કેસમાં સોરેનની ધરપકડ કરી હતી.

સોરેન વતી પીએમએલએ કોર્ટમાં હાજર થયેલા વકીલ અરુણાભ ચૌધરીએ દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સોરેન સામે નોંધાયેલ કેસ અને તેમની ધરપકડ રાજકીય રીતે પ્રેરિત છે. કેન્દ્ર સરકાર વિપક્ષના અગ્રણી નેતાઓને ડરાવવા, ધમકાવવા અને અપમાનિત કરવાનું કાવતરું ઘડી રહી છે અને આ ધરપકડ પણ એ જ સુનિયોજિત કાવતરાનો એક ભાગ છે. જેથી તેમને ભાજપમાં જોડાવા અથવા એનડીએનો ભાગ બનવા માટે દબાણ કરી શકાય. કોર્ટે સુનાવણીની આગામી તારીખ ૨૩ એપ્રિલ નક્કી કરી છે.

ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં સાત કલાકની પૂછપરછ બાદ ઝારખંડના સીએમ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. અગાઉ, સોરેને ED કસ્ટડીમાં રાજ્યપાલને મળ્યા બાદ સીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરાયેલી ધરપકડને પડકારી હતી.

ઈડીએ તાજેતરમાં સોરેન અને તેના સહયોગીઓની રાંચીમાં જમીન જપ્ત કરી હતી, જેની કિંમત રૂ. ૮.૮૬ કરોડ છે. સોરેન ઉપરાંત, ઈડ્ઢએ ૩૦ માર્ચે પીએમએલએ કોર્ટમાં ભાનુ પ્રતાપ પ્રસાદ, રાજ કુમાર પહાન, હિલારિયાસ કછપ અને બિનોદ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં મુખ્ય આરોપી પ્રસાદ છે, જે ઝારખંડના મહેસૂલ વિભાગના ભૂતપૂર્વ અધિકારી અને સરકારી રેકોર્ડના કસ્ટોડિયન છે, જેમના પર સોરેન સહિત અનેક લોકોને ગેરકાયદેસર વ્યવસાય, સંપાદન વગેરે સંબંધિત પ્રવૃત્તિઓમાં સહાય પૂરી પાડીને પોતાના સત્તાવાર પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ઇડીએ તેની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે પ્રસાદ એક સિન્ડિકેટનો સભ્ય હતો જે કપટપૂર્ણ માયમથી જમીન હસ્તગત કરવામાં સામેલ હતો. જેમાં અસલ સરકારી રજીસ્ટર સાથે ચેડાં કરવા, સરકારી રેકોર્ડ ખોટા કરવા અને નકલી દસ્તાવેજો બનાવવાનો સમાવેશ થાય છે.