ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના નેતા અને પૂર્વ સીએમ હેમંત સોરેન ૭ જુલાઈએ ઝારખંડના ૧૩મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેઓ તેમના સમગ્ર કેબિનેટ મંત્રીઓ સાથે શપથ લેશે. હેમંત સોરેનની કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને પણ સામેલ કરવામાં આવશે.ચંપાઈ સોરેને સીએમ પદ પરથી રાજીનામું રાજ્યપાલને સુપરત કર્યું હતું. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામ કરવા જણાવ્યું છે.
આ સાથે હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તેઓ ૭ જુલાઈએ સીએમ તરીકે શપથ લેશે. બુધવારે, જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધનના નેતાઓએ સર્વસંમતિથી તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા. કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીર અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર ઉપરાંત હેમંત સોરેનના ભાઈ બસંત અને પત્ની કલ્પના પણ બેઠકમાં સામેલ થયા હતા. જે બાદ હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
૭ જુલાઈના રોજ શપથ ગ્રહણ સમારોહ બાદ હેમંત સોરેન ઝારખંડના ૧૩મા મુખ્યમંત્રી બનશે. ૧૫ નવેમ્બર ૨૦૦૦ના રોજ બિહારથી અલગ થઈને ઝારખંડની રચના થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ૧૨ મુખ્યમંત્રી બન્યા છે. ઝારખંડમાં નવી સરકારમાં ૧૨ મંત્રીઓ હોઈ શકે છે, પરંતુ હાલમાં રાજ્ય કેબિનેટમાં ૧૦ મંત્રીઓ હતા, પરંતુ લોક્સભા ચૂંટણી પછી રાજ્યમાં જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધનની સંખ્યા ઘટીને ૪૫ ધારાસભ્યો પર આવી ગઈ. જેએમએમના ૨૭, કોંગ્રેસના ૧૭ અને આરજેડીના એક ધારાસભ્ય છે. ઉલ્લેખનીય છે કે જેએમએમ સુપ્રીમો શિબુ સોરેનના પુત્ર હેમંત સોરેનને લગભગ પાંચ મહિના પછી ૨૮ જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. ૩૧ જાન્યુઆરીએ ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી તેના થોડા સમય પહેલા જ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
જેએમએમના બે ધારાસભ્યો, નલિન સોરેન અને જોબા માઝી, હવે સાંસદ છે, જ્યારે ધારાસભ્ય સીતા સોરેને ભાજપની ટિકિટ પર સામાન્ય ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું છે. જેએમએમએ વધુ બે ધારાસભ્યો બિષ્ણુપુરના ધારાસભ્ય ચમરા લિન્ડા અને બોરિયોના ધારાસભ્ય લોબિન હેમ્બ્રોમને પક્ષમાંથી હાંકી કાઢ્યા. તેવી જ રીતે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ઘટીને ૨૪ થઈ ગયું છે, કારણ કે તેના બે ધારાસભ્યો – ધુલુ મહતો (બાઘમારા) અને મનીષ જયસ્વાલ (હઝારીબાગ) – હવે સાંસદ છે. માંડુના ધારાસભ્ય જયપ્રકાશ ભાઈ પટેલ ચૂંટણી લડવા કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપે તેમની હકાલપટ્ટી કરી છે.