હેમંત સોરેનની જામીન અરજી પર સુનાવણીની તારીખ ફરી લંબાવી

નવીદિલ્હી, જમીન કૌભાંડમાં જેલમાં બંધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીન અરજી પર મંગળવારે ઈડી કોર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ ફરી એકવાર કોર્ટ પાસે પોતાનો સ્ટેન્ડ રજૂ કરવા અને જામીન અરજી પર જવાબ આપવા માટે સમય માંગ્યો છે. પીએમએલએ સ્પેશિયલ કોર્ટમાં સોરેનની અરજી પર સુનાવણી શરૂ થતાં જ ઈડીએ જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય માંગ્યો હતો.

હેમંત સોરેન વતી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે તેનો વિરોધ કર્યો હતો. કોર્ટે ઈડીને એક સપ્તાહનો સમય આપ્યો છે અને ૩૦ એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. કેસની આગામી સુનાવણી ૧ મેના રોજ થશે. ૩૧ જાન્યુઆરીએ, ઈડીએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી અને રાંચીના બડાગાઈ વિસ્તારમાં ૮.૬૬ એકર જમીન પર ગેરકાયદે કબજો અને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં તેને જેલમાં મોકલી આપ્યો હતો.

હેમંત સોરેન ઉપરાંત, ઈડીએ ૩૦ માર્ચે જમીનના મૂળ માલિક રાજકુમાર પહાન, હેમંત સોરેનના નજીકના સાથી વિનોદ કુમાર, રેવન્યુ સબ-ઇન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદ અને હિલારિયસ વિરુદ્ધ ૩૦ માર્ચે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે હેમંત સોરેને ન માત્ર જમીન ગેરકાયદેસર રીતે હસ્તગત કરી હતી પરંતુ જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ધરપકડના અઢી મહિના બાદ હેમંત સોરેને પ્રથમ વખત જામીન અરજી દાખલ કરી છે, જેની સુનાવણી અગાઉ ૧૬ એપ્રિલે થઈ હતી.