
સુરત, ગુજરાતમાં હવે હાર્ટએટેક જે રીતે લોકોના ભોગ લઈ રહ્યા છે તે જોતા યુવા વર્ગ પર મોટો ખતરો છે. નાની ઉંમરમાં આવતા હાર્ટ એટેકથી યુવાઓને પ્રાણ ઉડી રહ્યાં છે. ત્યારે દક્ષિણ ગુજરાત મોતના મુખમાં બેઠું હોય તેવું લાગે છે. વલસાડમાં આજે ધોરણ ૧૦ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. તો બીજી તરફ, સુરત શહેરમાં ત્રણ યુવકો બેભાન થઈને ઢળી પડ્યા હતા. ત્રણેયનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.
વલસાડના પારનેરા ગામની આ ઘટના છે. પારનેરાના ધોરણ ૧૦ના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું છે. વહેલ સવારે આયુષ નામના સગીર વિદ્યાર્થીને હાર્ટએટેક આવ્યો હોવાને લીધે નિધન થયું છે. ૧૫ વર્ષીય આયુષ પગમાં દુ:ખાવો હોવાની માતાને સતત ફરિયાદ કરતો હતો. તે ત્રણ દિવસથી બીમાર હતો, અને અચાનક તેનું હૃદય બંધ પડ્યુ હતું. ૧૫ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થતા પરિવાર અને પારનેરા ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
ઉમરામાં હવન-યજ્ઞ દરમ્યાન યુવક બેભાન થઈ ઢળી પડતા મોતને ભેટ્યો હતો. અડાજણ શાંતિવિલા ખાતે રહેતા રિતેશ ભરતભાઇ પંડ્યા પૂજા-પાઠ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા. તેઓ ઉમરા રામનાથ ઘેલા મંદિર ખાતે તેઓ હવન યજ્ઞ કરવા ગયા હતા. યજ્ઞમાં બેઠેલા રીતેશ એકાએક બેભાન થઈ ઢળી પડતા તાત્કાલિક નવી સિવિલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા ઉમરા પોલીસે પીએમનો પ્રક્રિયા હાથ ધરી છે.
બીજા બનાવમાં વરાછા સ્થિત રામજી મંદિર નજીક ગણેશ એપાર્ટમેન્ટ માં રહેતા અર્જુન વલ્લભભાઈ રાવળનું મોત થયું હતું. વહેલી સવારે શ્ર્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક યુવક મંડપ ડેકોરેશના વ્યવસાય સાથે સંકળાયેલ હતો
ત્રીજા બનાવમાં ભગીરથ નગરમાં રહેતા રત્ન કલાકારનું અચાનક બેભાન થયા બાદ મોત થયું હતું. ૪૨ વર્ષીય જગદીશ બટુકભાઈ વાવા એકાએક બેભાન થઈ ઢળી પડતા મોતને ભેટ્યા હતા. જેમાં હાર્ટ અટેકના કારણે મોત નિપજ્યું હતું.