મુંબઇ, અભિનેતા શ્રેયસ તળપદે માટે છેલ્લા થોડા મહિના ખૂબ જ મુશ્કેલ હતા. તેને ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ નાં રોજ હાર્ટ અટેક આવ્યો હતો. આ સમયે તેમની હાલત ખૂબ ગંભીર હતી. યોગ્ય સારવારનાં કારણે તેમનો જીવ બચી ગયો. હાલ તેમનું સ્વાસ્થ્ય સારું છે.થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે આ મુશ્કેલ સમય વિશે વાત કરી હતી અને તેના ચાહકોનો આભાર માન્યો હતો.
શ્રેયસ તળપદેએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની તબિયત પહેલા કરતાં હાલ વધુ સારી છે. તેણે વધુમાં કહ્યું કે ’આ જીવનમાં લોકોનું ૠણ ઉતારવું મુશ્કેલ છે’. બધા ડોકટરો, હોસ્પિટલનાં કર્મચારીઓ અને મારા સ્વાસ્થ્યની પાર્થના કરવાવાળા લોકોનો હું આભારી છું. ડોક્ટરની સલાહથી હાલ સ્વાસ્થ્ય સારું છે.
શ્રેયસ તળપદેનાં પત્ની દીપ્તિ તલપડેએ પણ એક ઇન્ટરવ્યૂમાં એ લોકોનો આભાર માન્યો, જે લોકો ત્યારે સાથે હતા જ્યારે અભિનેતાની તબિયત ખરાબ થઈ હતી. જ્યારે શ્રેયસ તળપદેને હાર્ટ અટેક આવ્યો હતો ત્યારે અહમદ ખાન અને તેની પત્ની મોડી રાત્રે હોસ્પિટલ આવ્યા હતા. અક્ષય કુમારે પણ સતત શ્રેયસની ખબર પૂછી હતી.
દીપ્તિએ જણાવ્યું કે અક્ષયે સવારે મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મને ૨ મિનિટ માટે તેને મળવા દો. તેણે કહ્યું કે હું તેને જોવા માંગુ છું. ત્યારે મે કહ્યું કે તમે ઈચ્છો ત્યારે આવી શકો છો. હિન્દી અને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકોએ આ મુશ્કેલ સમયમાં શ્રેયસનો સાથ આપ્યો હતો.