હાર્ટ એટેક, એન્જિયોપ્લાસ્ટી: અભિનેતા શ્રેયસ તલપડેને હોસ્પિટલમાંથી રજા અપાઈ

મુંબઈ, હિન્દી અને મરાઠી ફિલ્મોના અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યા બાદ અને એન્જિયોપ્લાસ્ટી સારવાર કરાવ્યા બાદ આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ એમના પત્ની દીપ્તિ તલપડેએ કહ્યું છે.

તલપડેએ ૨૦૦૫માં ’ઈકબાલ’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા સાથે અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. ’ડોર’, ’ઓમ શાંતિ ઓમ’, ’ગોલમાલ’ શ્રેણીની ફિલ્મોમાં તલપડેના અભિનયને દર્શકોએ વખાણ્યો હતો. એમની નવી ફિલ્મ આવી રહે છે ’વેલકમ ટુ ધ જંગલ’, જે ’વેલકમ’ શ્રેણીની ફિલ્મોની ત્રીજી આવૃત્તિ હશે.

ગઈ ૧૪ ડિસેમ્બરે શ્રેયસ તલપડેએ એમના ઘરમાં જ બેચેની થતી હોવાની ફરિયાદ કરી હતી અને પછી જમીન પર ફસડાઈ ગયા હતા. એમને તરત જ એમના પરિવારજનો અંધેરી (વેસ્ટ)ની બેલેવ્યૂ હોસ્પિટલમાં લઈ ગયા હતા. દીપ્તિ તલપડેએ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે, શ્રેયસ સુરક્ષિત અને શાંતિપૂર્વક ઘેર પાછા ફર્યા છે. પ્રશંસકોના સમર્થન અને ઉષ્માભરી શુભેચ્છા માટે એમણે સહુનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.