વડોદરા, વડોદરા લોક્સભા બેઠક માટે આજે યોજાયેલા મતદાનમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પણ વોટિંગ કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા હતા અને મતદાન જાગૃતિનુ આગવુ ઉદાહરણ પૂરુ પાડયુ હતુ. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી આઈટીઆઈના મતદાન કેન્દ્ર પર હાર્ટ એટેક આવ્યાના ૨૪ કલાક બાદ મતદાન કરવા માટે પહોંચેલા કમલેશભાઈની મતદાન કરવા માટેની તત્પરતાની અન્ય મતદારોએ પણ પ્રશંસા કરી હતી.
ગોરવા વિસ્તારમાં રહેતા અને હેર કટિંગ સલૂન ચલાવતા ૪૦ વર્ષીય કમલેશભાઈ લિમ્બાચિયાને સોમવારે છાતીમાં દુખાવો થયો હતો. તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ડોકટરોએ કહ્યુ હતુ કે, તમને હાર્ટ એટેક આવ્યો છે.તાત્કાલિક સારવાર કર્યા બાદ તેમને હાર્ટમાં સ્ટેન્ટ મુકવામાં આવ્યુ હતુ. જેના ૨૪ કલાક બાદ તેઓ આજે એમ્બ્યુલન્સમાં મતદાન કરવા માટે ગોરવા, આઈટીઆઈ ખાતે પહોંચ્યા હતા.તેમને સ્ટ્રેચરમાં જ સુવાડીને મતદાન મથકમાં લઈ જવાયા હતા. જ્યાં તેમણે સુતા-સુતા મતદાન કર્યુ હતુ.કમલેશભાઈએ સંદેશ આપ્યો હતો કે, દેશ આગળ વધે અને સારા નેતાઓ શાસન કરે તે માટે મેં વોટિંગ કર્યુ છે અને બીજા લોકોને પણ હું વોટિંગ રકવા માટે અપીલ કરુ છું.
આ જ રીતે ગંભીર બીમારીથી પીડાતા દર્દી મયુરભાઈએ પણ વોટિંગ કરીને જણાવ્યુ હતુ કે, ગંભીર બીમારીમાં પણ પથારી છોડીને હું એમ્બ્યુલન્સમાં મત આપવા માટે આવ્યો છું. આ જ રીતે પેરાલીસિસના દર્દી દિનેશભાઈ શાહે પણ એમ્બ્યુલન્સમાં પહોંચીને વોટિંગ કર્યુ હતુ અને મતદાન કરવા માટે બીજા લોકોને અપીલ કરી હતી.વડોદરામાં આજે મતદાન વચ્ચે એક હોસ્પિટલ દ્વારા દર્દીઓ મતદાન કરી શકે તે માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમાં બેસીને દર્દીઓ વોટિંગ કરવા માટે ગયા હતા.