નવી દિલ્હીમાં બુધવારે મળેલી મોદી કેબિનેટની બેઠકમાં PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આમાં ભારત સરકાર ઉચ્ચ શિક્ષણ માટે 7.5 લાખ રૂપિયા સુધીની લોન પર 75% ક્રેડિટ ગેરંટી આપશે.
8 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા પરિવારનાં બાળકોને પણ 10 લાખ રૂપિયા સુધીની લોન પર 3% વ્યાજ સબસિડી આપવામાં આવશે. 4.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને પહેલેથી જ સંપૂર્ણ વ્યાજ સબસિડી મળી રહી છે.
દેશનાં 860 મોટાં ઉચ્ચ શિક્ષણ કેન્દ્રોના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ યોજનાના દાયરામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે આ યોજનાનો ઉદ્દેશ હોશિયાર વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવાનો છે, જેથી પૈસા તેમના અભ્યાસમાં અડચણ ન બને.
PM વિદ્યાલક્ષ્મી યોજના એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020નું વિસ્તરણ છે.
ઓક્ટોબર 24: સરકાર સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ પર રૂ. 1,000 કરોડનો ખર્ચ કરશે
ભારત સરકાર સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે રૂ. 1,000 કરોડનો ખર્ચ કરશે. એ પાંચ વર્ષમાં ખર્ચવામાં આવશે. 2025-26માં 150 કરોડ રૂપિયા, 2026-27, 2027-28 અને 2028-29માં 250 કરોડ રૂપિયા, 2029-30માં 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે આ માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ સમયગાળા દરમિયાન આર્થિક બાબતોની સમિતિ (CCEA)એ રેલવે મંત્રાલયના રૂ. 6,798 કરોડના બે પ્રોજેક્ટને પાસ કર્યા હતા, જેમાં નરકટિયાગંજ-રક્સૌલ-સીતામઢી-દરભંગા અને સીતામઢી-મુઝફ્ફરપુર સેક્શનમાં 256 કિલોમીટરની રેલવેલાઇનને બમણી કરવામાં આવશે. એરુપાલેમ અને નામ્બુરુ વાયા અમરાવતી વચ્ચે 57 કિમીની નવી રેલવેલાઇન નાખવામાં આવશે. તે એનટીઆર વિજયવાડા અને આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લા અને તેલંગાણાના ખમ્મમ જિલ્લામાંથી પસાર થશે.
બિહારમાં બમણું થવાથી નેપાળ અને ઉત્તર-પૂર્વ ભારત સાથે કનેક્ટિવિટી વધશે. ગુડ્સ ટ્રેનો તેમજ પેસેન્જર ટ્રેનોની અવરજવરમાં સગવડતા રહેશે. બંને યોજના ત્રણ રાજ્ય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને બિહારના 8 જિલ્લાને આવરી લેશે.
9 ઓક્ટોબર: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મફત અનાજ
9 ઓક્ટોબરે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં 4406 કરોડ રૂપિયાના રોકાણ સાથે 2280 કિલોમીટરના રસ્તાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PM-GKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મફત ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવા માટે પણ મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે તેના પર 17,082 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જે સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર ભોગવશે.
તેમણે કહ્યું હતું કે ગુજરાતના લોથલમાં વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) વિકસાવવામાં આવશે.