કાબુલ,
પાકિસ્તાનને તેના પાડોશી દેશ અફઘાનિસ્તાનથી પણ ફટકો પડી રહ્યો છે. અહીંના તાલિબાન શાસને સરહદ પર જ પાકિસ્તાનને અનાજ, શાકભાજી અને ફળોનો સપ્લાય બંધ કરી દીધો છે. અફઘાનિસ્તાનથી પાકિસ્તાન જતી તોરખામ બોર્ડર પર આવા ઓછામાં ઓછા ૬૦૦૦ ટ્રક ફસાયેલા છે, જે જરૂરી સામાન લઈ જાય છે. જો ટ્રક યોગ્ય સમયે પાકિસ્તાન ન પહોંચે તો તેના કારણે ઘણા ભાગોમાં સમસ્યા સર્જાઈ શકે છે અને ટ્રકમાં ભરેલ અનાજ, ફળો અને શાકભાજી પણ બગડી શકે છે.
અફઘાનિસ્તાનના રખેવાળ તાલિબાન શાસને પાકિસ્તાન સાથેના તણાવને કારણે રવિવારે તોરખામ બોર્ડરના દરવાજા બંધ કરી દીધા હતા. ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચેની અવરજવર અને વેપાર માટે આ ટ્રાન્ઝિટ રૂટનો ખાસ ઉપયોગ થાય છે. બોર્ડર ખોલવા માટે બંને તરફથી વાતચીત ચાલી રહી છે, પરંતુ ત્રણ દિવસ થવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
તોરખાન બોર્ડર બંધ થવાને કારણે માત્ર પાકિસ્તાની વેપારીઓને જ નહીં પરંતુ અફઘાનિસ્તાનના વેપારીઓને પણ ભારે નુક્સાનનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ અનાજ અને અન્ય માલસામાનથી ભરેલી સેંકડો ટ્રકો એકબીજાના દેશમાં પ્રવેશે છે અને તોરખાન તેનો મુખ્ય માર્ગ માનવામાં આવે છે. બોર્ડર બંધ હોવાને કારણે બંને તરફ ટ્રકોની લાંબી લાઈનો લાગી છે. રવિવારથી અહીં ૬૦૦૦ ટ્રકોની લાંબી ક્તારો લાગી છે.
આશ્ર્ચર્યની વાત એ છે કે અફઘાનિસ્તાન પણ જરૂરી ચીજવસ્તુઓ માટે પાકિસ્તાન પર નિર્ભર છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન જોઈન્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ડાયરેક્ટર ઝિયા-ઉલ હકે જણાવ્યું હતું કે ખાસ કરીને એવા વેપારીઓ કે જેઓ રોજિંદા ધોરણે શાકભાજી અથવા ફળોનો સપ્લાય કરે છે તેઓને ભારે નુક્સાન થઈ રહ્યું છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન આ મુદ્દે બે ડગલાં આગળ આવીને વાતચીત કરવા તૈયાર છે. પાકિસ્તાન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાને પોતાની મરજીથી એક્તરફી નિર્ણય લીધો અને સરહદ બંધ કરી દીધી. આવી સ્થિતિમાં તેમણે પણ સરહદ ખોલવા અંગે વાતચીત માટે આગળ આવવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે સોમવારે બંને દેશોની સેનાઓ વચ્ચે ગોળીબાર થયો હતો. આ પછી બંને દેશોએ પોતપોતાની સરહદો પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કર્યા હતા. તણાવ ઘટાડવાની દિશામાં પગલાં લેતા, પાકિસ્તાને તેની સરહદ પરથી સુરક્ષા દળોની સંખ્યામાં ઘટાડો કર્યો. બીજી તરફ પાકિસ્તાનના આ નિર્ણય બાદ અફઘાનિસ્તાને પણ સરહદ પરથી સુરક્ષા દળોને ઘટાડી દીધા હતા જેને પાકિસ્તાને સકારાત્મક સંકેત ગણાવ્યો છે.